Abtak Media Google News

ટેલિકોમ સેકટરમાં ઓટોમેટિક રૂટથી 100% એફડીઆઈને અપાઈ મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટની બેઠકમાં ટેલિકોમ અને ઓટો સેક્ટર્સ ક્ષેત્રમાં ઘણા મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને મંજૂરી આપી છે. આ સિવાય ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 100% એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે. આ સેક્ટરમાં 9 મોટા સંરચનાત્મક ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે ઓટો અને ડ્રોન સેક્ટર માટે 26,058 કરોડ રૂપિયાની પ્રોડક્શન-લીન્ક-ઈન્સેન્ટિવ(પીએલઆઈ) સ્કીમને મંજૂરી આપી છે. તેમાંથી 25,938 કરોડ રૂપિયા ઓટો મોબાઈલ સેક્ટરને આપવામાં આવશે. 120 કરોડ રૂપિયા ડ્રોન ઈન્ડસ્ટ્રીને આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે પણ રાહત પેકેજની મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર થયા છે. એજીઆરની પરિભાષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એજીઆરમાં પહેલા ઘણા વધુ એવા વ્યાજને ઓછા કરીને 2 ટકા વાર્ષિક કરવામાં આવ્યા છે. આ સિવાય તેની પર લાગતી પેનલ્ટીને ખત્મ કરવામાં આવી છે. તેનાથી ટેલિકોમ કંપનીઓની મોટી રાહત મળશે.

ઉપરાંત ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે મહવતના સંકેત આપતા કહ્યું હતું કે, હાલના તબક્કે અનેક નવી યોજનાઓ પાઇપલાઇનમાં છે જેની અમલવારી ટૂંક સમયમાં થઈ શકે છે.  વૈષ્ણવે કહ્યું હતું કે, 5જી સ્પેક્ટ્રમની હરાજી પણ આગામી વર્ષના ફેબ્રુઆરી માસમાં થઈ શકે છે. જેના માટે વિવિધ કંપનીઓને નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે. વધુમાં વધુ કંપનીઓ આ હરાજીમાં ભાગ લે તેવું પણ સરકાર ઈચ્છે છે જેથી 5જીની હરાજીમાં 4જી વાળી સર્જાય નહીં.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સંરચનાત્મક સુધારા કરવામાં આવી રહ્યાં છે. એજીઆરની પરિભાષાને બદલતા તેને બિન ટેલિકોમ રેવન્યુમાંથી બહાર કરવામાં આવશે. આ સિવાય ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. તમામ ફોર્મ વેઅરહાઉસિસમાં છે, તે ડિજિટલાઈઝડ હશે. સીમ લેતી વખતે જેટલા કાગળ આપવા પડતા હતા તે વેઅરહાઉસમાં હતા. તેને ડિજિટલાઈઝ્ડ કરવામાં આવશે. કેવાયસી હવે સંપૂર્ણ રીતે ઓનલાઈન થશે. સિમ લેવું કે પોસ્ટપેડથી પ્રીપેડ કરવા જેવા તમામ કામો માટે હવે કોઈ ફોર્મ ભરવું પડશે નહિ. તેના માટે ડિજિટલ કેવાયસી માન્ય હશે.

તમામને બાકીની રકમ ચુકવવા ચાર વર્ષનું મોરેટોરિયમ

વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરને તમામ બાકીની રકમ ચુકવવા માટે ચાર વર્ષનું મોરેટોરિયમ આપવામાં આવશે. એટલે કે તે પોતાની બાકી ચુકવવાની રકમ માટે ચાર વર્ષ લઈ શકે છે. જોકે તેમણે આ દરમિયાન વ્યાજ આપવું પડશે. આ વ્યવસ્થા અગાઉની ડેટમાં નહિ પરંતુ હવેથી લાગુ થશે.

ટાવર સેટઅપ કરવાની પ્રોસેસમાં ઘણા વિભાગોનું એપ્રુવલ લેવુ પડતું હતું. હવે સેલ્ફ એપ્રુવલથી કામ ચાલ્યુ જશે. હવે એક જ પોર્ટલ ડોટ પરથી એપ્રૂવલ મળી જશે. લાઈસન્સ રાજ ખત્મ કરવામાં આવ્યું છે.

ટેલિકોમ ક્ષેત્રને રાહત પેકેજ ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરશે:મુકેશ અંબાણી

મોદી કેબિનેટે ટેલિકોમ સેક્ટર માટે બિગ બેંગ રિફોર્મ્સની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે, આ ઘોષણાઓ સાથે વર્તમાન ત્રણ કંપનીઓ ટેલિકોમ સેક્ટરમાં રહેશે અને આગામી દિવસોમાં નવા રોકાણો દ્વારા આ ક્ષેત્રનું કાયાકલ્પ થશે. જાહેરાત અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, નવા સુધારા અને રાહત પગલાં સાથે ટેલિકોમ સેક્ટર ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરી શકશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ટેલિકોમ ઉદ્યોગ હવે કોઈ પણ ડર વગર હિંમતભેર રોકાણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.