Abtak Media Google News

ડિજીટલ.. ડિજીટલ…ડિજીટલ! દેશને ડિજીટલ કરવાનું જાણે અભિયાન ચાલ્યું છે. એમાંયે કોવિડ-19ની મહામારીઐ આ અભિયાનને જાણે ગતિ આપી છે. બેંકિંગ ક્ષેત્રે થતી છેતરપિંડીનાં બનાવો, નકલી ચલણી નોટનાં ગોરખધંધા અને બાકી હોય તો ખંડણીખોરોની ધમકીઓ. નાણાકિય વ્યવહારોને ડિજીટલ કરવાની જરૂર હતી જ. આ એક સારું પગલું ગણી શકાય. પરંતુ એક સારુ સો ખરાબને નોતરાં આપે તે ઇચ્છનીય નથી. નાણાકિય વ્યવહારોનાં ડિજીટલાઇઝેશનને હજુ એક દાયકો માંડ થયો છે ત્યાં ઘરફોડુઓની અર્થાત એકાઉન્ટ ફોડુઓની સંખ્યા દિવસ-રાત વધી રહી છે. આ સમસ્યા ભારતમાં જ નહી જગત આખામાં ફેલાયેલી છે. ભારતમાં હજુ તો આ પ્રણાલિ પ્રથમ તબક્કામાં છૈ ત્યાં સાઇબર ક્રાઇમના કેસોની સંખ્યામાં ભારત પ્રથમ દેશોમાં આવી ગયું છે.  અમેરિકા પ્રથમ ક્રમાંકે અને યુનાઇટેડ કિંગડમ બીજા નંબરે છૈ.

નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો (એન.સી.આર.બી) નાં આંકડા જોઇએ તો ભારતમાં 2020ના વર્ષમાં સાઇબર ક્રાઇમનાં કિસ્સામાં 11.8 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત 2019 માં દર લાખ લોકોઐ સાઇબર ક્રાઇમનો દર 3.3 ટકા હતો જે હાલમાં વધીને 3.7 ટકા ઐ પહોંચ્યો છૈ. 2018માં સાઇબર ક્રાઇમનાં 27248 કેસ થયા હતા જે 2019 માં વધીને 44735 અને 2020 માં વધીને 50035 નોંધાયા હતા. આ ઉપરાંત છેતરાયા બાદ ફરિયાદ નહીં કરનારાઓનાં આંકડા તો કોઇને ખબર નથી.  એવું કહેવાય છે કે સાઇબર ક્રાઇમ કરનારાઓ મનોરંજન તથા જાહેર ક્ષેત્રનાં કારોબાર ઉપર વધારે એટેક કરે છે.

વિતેલા વર્ષમાં ઓનલાઇન બેંકિંગમાં છેતરપિંડીનાં 4047 કેસ નોંધાયા છે. જ્યારે 1093 ઓ.ટી.પી ફ્રોડ એટલે કે ટ્રાન્ઝક્શન વખતે આવતા વન ટાઇમ પાસવર્ડના ફ્રોડ થયા છે. આ ઉપરાંત 1194 ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાં છેતરપિંડીનાં અને 2160 એટીએમ માં ફ્રોડના કેસ થયા છૈ. આવા કિસ્સાઓમાં મહિલાઓ તથા બાળકોને વધારે શિકાર બનાવાય છે. સાઇબર ક્રાઇમનાં 60 ટકાથી વધારે કિસ્સા માત્ર નાણા પડાવવા માટે જ થયા છૈ. જ્યારે 6.6 ટકા કેસ સેક્યુઅલ પ્રતાડન, તથા પાંચેક ટકા કિસ્સા ખંડણીની માગણીના થયા છે. ખાસ કરીને શિક્ષણ ઓછું હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવે છે. 2020 ના વર્ષમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 11097 કેસ, કર્ણાટકમાં 10741 કેસ તથા મહારાષ્ટ્રમાં 5496 કેસ થયા છૈ. ત્યારબાદ તેલંગણા 5024 કેસ અને આસામ 3530 કેસ સાથે ચોથા અને પાંચમા ક્રમે છે. વસ્તીની સરખામણીઐ કેસની ગણતરી કહે છે કે કર્ણાટક 16.2 ટકા સાથે પ્રથમ ક્રમાંકે તથા તેલંગણા 13.4 ટકા સાથે બીજા ક્રમાકેં છે.

વૈશ્વિક આંકડા બોલે છે કે આ સાયબર એટેકની અત્યાર સુધીમાં અમેરિકામાં સાત ટકા તથા બ્રિટન, ફ્રાંસ તથા જર્મની જેવા દેશોમાં બે ટકા જેટલી અસર જોવા મળી છે. જ્યારે ચીન તથા રશિયામાં અનુક્રમે 30 ટકા અને 20 ટકા જેટલી અસર જોવા મળી છે. આપણે ભારતમાં ખાનખરાબી વધારે થવાનુ કારણ એ પણ છે કે આપણે ત્યાં પાયરેટેડ સસ્તા અને મફતિયા સોફ્ટવેર વાપરવાની પરંપરા વધારે વિકસેલી છે. કારણકે લાયસન્સ વાળા સોફ્ટવેર મોંઘા પડતા હોય છે.

જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આવા સાયબર હુમલા અને દેશનાં અસુરક્ષિત કોમ્પ્યુટરો આપણી સરકારની ડિજીટલ ઇન્ડિયા મુવમેન્ટ માટે સૌથી મોટી ખતરાની ઘંટી બની શકે છે. કારણકે સરકાર નકલી ચલણી નોટો અને આતંકવાદીઓને મળતી મદદ દૂર કરવા માટે, કાળા નાણાં ઘટાડવા માટે તથા બેન્કિંગ સિસ્ટમને ફાસ્ટ, સરળ તથા પેપરલેસ કરવા માટે આગેકૂચ તો ચુકી છે પણ આવા સાયબર એટેક દ્વારા હેકરો દેશના નાગરિકોની તમામ માહિતી તથા નાણાકિય વ્યવહારોની વિગતો મેળવી લે તો શું થાય? સાયબર ક્રાઇમના ચોપડા તપાસો તો જણાય છે કે આવા કેસોની કડીઓ શોધવી વધારે જટિલ હોય છે. વળી આવા ગુન્હા માત્ર એકાદ બે સ્થળોએ થી જ નહી વિશ્વનાં કોઇપણ સ્થળેથી થઇ શકતા હોય છે. તેથી જો સિક્કાની બીજી બાજુ જોયા વિના નિર્ણયો લેવાતા રહેશે તો તે આગળ જતા દેશની ઇકોનોમી માટે મોટો ખતરો સાબિત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.