મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજધાની દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ-ઉપ-રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર નવી દિલ્હીની મુલાકાત લઈ રાષ્ટ્રપતિ સહિતના આગેવાનોની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુની શુભેચ્છા સૌજન્ય મુલાકાત લઈ ઔપચારિક ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીને વર્ધમાન તીર્થંકર સીમંધર સ્વામીની મુર્તિ ભેટમાં આપી હતી.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે મળવાના છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે અમદાવાદ પરત ફરશે.