Abtak Media Google News

આગામી ચાર દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના નહિવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 101 તાલુકાઓમાં મેઘ મહેર: સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા પાંચ ઈંચ

પશ્ચિમ બંગાળથી ગુલાબ વાવાઝોડું ડીપ્રેશનમાં પરિવર્તિત થઈને ગુજરાત આવ્યા બાદ તે અરબી સમુદ્રમાં મળીને ચક્રવાતમાં ફેરવાયું છે, જોકે આ ચક્રવાતથી ગુજરાતને ખતરો ના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે. કારણ કે આગામી સમયમાં આ શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ વધશે તેવી સંભાવના છે. આ પછી વાવાઝોડું ત્યાંથી

યુએઈ તરફ આગળ વધી શકે છે. જોકે, ચક્રવાતના કારણે કચ્છ તથા સૌરાષ્ટ્રમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પછી સમય જતા વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સમયમાં વરસાદનું જોર ઘટશે. જોકે, આજના દિવસ દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ડીપ્રેશન અરબી સમુદ્રમાં મળ્યા પછી તે ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે અને જે બાદ તે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધશે તેવી સંભાવના છે. રાજ્યના દક્ષિણ ભાગમાં પણ આજે વરસાદ થઈ શકે છે. આમ છતાં ગઈકાલે માછીમારોને ત્રણ દિવસ સાવધાન રહેવાની અને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે જૂનાગઢ, અમરેલી, દ્વારકા, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ નોંધાયો હતો. આગામી ચાર દિવસ રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. આ સિવાય રાજ્યના દરિયાપટ્ટી વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે.

કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ આણંદ, દાહોદ, પંચમહાલમાં હળવો વરસાદ રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ રહે તેવી સંભાવના હવામાન વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ રાજ્યમાં પાછોતરો વરસાદ જામ્યો હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ હેરાન કરશે તેવી ભીતી હતી જોકે, હાલની પરિસ્થિતિ પ્રમાણે વરસાદ ગુજરાતમાંથી વિરામ લેશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.