Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો મિજાજ માલૂમ પડશે

રાજયની 10879 ગ્રામ પંચાયતની 89702 બેઠકો માટે 19મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે

 

અબતક,રાજકોટ

રાજય ચૂંટણી પંચ દ્વારા રાજયની 10117 ગ્રામ પંચાયતોની સામાન્ય, 65 પંચાયતની વિભાજન-કે વિસર્જન અને 697 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટેના મતદાનની તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેની સાથે રાજયભરમાં આદર્શન આચાર સહિતા લાગુ થઈ જવા પામી છે. આગામી સોમવારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ્ય વિસ્તારોનાં મતદારોનો મિજાજ જાણવા મળશે. સૌરાષ્ટ્રના ગામે ગામ ચૂંટણીનો માહોલ જામ્યો છે.

રાજય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે સાંજે રાજયની 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તારીખનું એલાન કરવામાં આવ્યું હતુ. આગામી 29મી નવેમ્બરના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે 6 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 7મી ડિસેમ્બર નિયત કરવામાં આવી છે. 19મી ડિસેમ્બરે રવિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન હાથ ધરવામાં આવશે. 21મી ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

રાજયની 10117 ગ્રામ પંચાયતોનાં 88211 વોર્ડ અને 10117 સરપંચો માટે સામાન્ય ચૂંટણી યોજાશે 65 ગ્રામ પંચાયતોનાં 65 સરપંચ અને 568 વોર્ડ માટે વિભાજન, વિસર્જન બેઠક યોજાશે જયારે 697 ગ્રામ પંચાયતના 923 વોર્ડ અને 102 સરપંચો માટે પેટા ચૂંટણી યોજાશે.

રાજય સરકારના વિવિધ ખાતાના-કર્મચારીઓના વડાઓ આ ચૂંટણી દરમ્યાન તાકીદના તબીબી કારણો સિવાય તેમની કચેરીના ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓની રજા મંજૂર કરી શકો નહી બદલી કરી શકશે નહીં. સરકારી સેવાઓ અને જાહેર સાહસોના નિમણુંક આપી શકશે નહીં. મતદારો પ્રભાવિત થશય તેવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકશે નહીં. તેમજ વચનો આપી શકશે નહીં. કોઈ પણ રૂપમાં કોઈ પણ જાતની નાણાંકીય ગ્રામ્ય અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરી શકશે નહી આ સૂચનાનો અમલ તા. 22-11-2021 થી 21-12-2021 સુધી કરવાનો રહેશે તેમ રાજય ચૂંટણી આયોગ ગાંધીનગરના સચિવ જી.વી. બ્રહ્મભટ્ટ દ્વારા જણાવાયું છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 27085 મતદાન મથકો છે. જેના માટે 54387 મતપેટીઓની જરૂરીયાત પડશે જેની સામે 64620 મતપેટીઓ ઉપલબ્ધ છે. કુલ 2657 ચૂંટણી અધિકારી, 2990 મદદનીશ ચૂંટણી અધિકારી, 157722 પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે ગઈકાલથી જ રાજયભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે.

10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં અમદાવાદ જિલ્લાની 411, અમરેલી જિલ્લાની 528 અરવલ્લી જિલ્લાની 231, આણંદ જિલ્લાની 213, કચ્છ જિલ્લાની 482 ખેડા જિલ્લાની 432, ગાંધીનગર જિલ્લાની 179 ગીર સોમનાથ જિલ્લાની 299, છોટાઉદેપુર જિલ્લાની 247, જામનગર જિલ્લાની 268, જૂનાગઢ જિલ્લાની 432, ડાંગ જિલ્લાની 70, તાપી જિલ્લાની 268, દાહોદ જિલ્લાની 361, દેવભૂમી દ્વારકા જિલ્લાની 175, નર્મદા જિલ્લાની 200, નવસારી જિલ્લાની 322, પંચમહાલ જિલ્લાની 379, પાટણ જિલ્લાની 208, પોરબંદર જિલ્લાની 135, બનાસકાંઠા જિલ્લા 653, બોટાદ જિલ્લાની 157, ભરૂચ જિલ્લા 503, ભાવનગર જિલ્લાની 437, મહિસાગર જિલ્લાની 273 મહેસાણા જિલ્લાની 163, મોરબી જિલ્લાની 320, રાજકોટ જિલ્લાની 548, વડોદરા જિલ્લાની 329 વલસાડ જિલ્લાની 334, સાવરકાંઠા જિલ્લાની 325, સુરજ જિલ્લાની 498 અને સુરેન્દ્રનગર જિલ્લાની 499 સહિત કુલ 10879 ગ્રામ પંચાયતો માટે 19મી ડિસેમ્બરે મતદાન યોજાશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ્ય વિસ્તારોનાં મતદારોનો મિજાજ જાણવા માટે રાજકીય પક્ષોને મોકો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.