Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી કરાશે

 

અબતક,અતુલ કોટેચા

વેરાવળ

ગીર સોમનાથ જિલ્લો વધુ એક રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 73માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવશે. આ 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણીમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય પર્વની ઉજવણીને અનુલક્ષીને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો લાહવો ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને વધુ એકવાર મળશે.

આ 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓમાં જિલ્લા વહીવટી તંત્ર જોતરાયું છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ગરિમામય વાતાવરણ અને સુચારુ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ દ્વારા જુદી-જુદી 15 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.આ પંદર સમિતિઓમાં સમાવિષ્ટ અધિકારીઓની એક બેઠક વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળી હતી. કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની ઉજવણીના સંદર્ભે દિશાસૂચક માર્ગદર્શન આપવાની સાથે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા માટે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી

કલેકટરએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારૂ આયોજન માટે 15 વ્યવસ્થાપક સમિતિની રચના કરી

કલેકટરે જણાવ્યું કે, 26મી જાન્યુઆરીના ઉજવણીના સંદર્ભે જે 15 સમિતિઓની રચના કરવામાં આવી છે. તે સમિતિઓના અધ્યક્ષ વહેલી તકે એક બેઠક બોલાવી, તેમને સોંપાયેલ કામોની યોગ્ય વહેંચણી કરી લેવામાં આવે, જેથી તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં થઈ શકે સાથે જ એક સુચારુ વ્યવસ્થા સમગ્ર ઉજવણી દરમિયાન જળવાઈ રહે. ઉપરાંત કલેકટરે ડાયસ પ્લાન, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવા માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતુંઆ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી ઉના અને વેરાવળ, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.