Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્રારા ઈ-લોકાર્પણ કરાશે: 5 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલા લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આગામી સોમવારે કરવામાં આવશે.

લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ થતા આશરે 5 થી 6 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતીના ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી તા. 24ને સોમવારના રોજ સવારના 9:45 કલાકે લક્ષ્મીનગર તરફ મહાપાલિકા દ્વારા રૂ. 42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના વાહન વ્યવહાર પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ થશે. આ કાર્યક્રમ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ પ્રસંગે સાંસદ  મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. આ બ્રિજના કારણે શહેરના આશરે 5 થી 6 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.

બ્રીજની કુલ લંબાઇ 303.80 મીટર છે. કેરેજ વે 7.50 મીટર બન્ને તરફ બોક્સની સાઈઝ (બન્ને બાજુ) 50.50 મીટર ડ્ઢ 7.50 મીટર ડ્ઢ 4.50 મીટર રાખવામાં આવી છે. રાહદારીઓ તથા સાઇકલીસ્ટ માટે પાથ વે 2.50 મીટર (ઊંચાઈ 2.90) એપ્રોચ રોડ નાના મવા તરફ 137.0 મીટર છે.એપ્રોચ રોડ ટાગોર રોડ તરફ 116.30 મીટર રાખવામાં આવી છે.

વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ રૂમ તથા સમ્પ વિરાણી હાઈસ્કુલ તરફ 250000 લીટર એક સમ્પ તથા પંપ રૂમ તથા રેલ્વે સ્ટેશન તરફ 450000 લીટરનો સમ્પ બનાવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.