Abtak Media Google News

ચોકોબાર કેન્ડી બનાવવા માન્ય વેજીટેબલ ફેટનો ઉપયોગ થતો ન હતો: મેંગો ડોલી બનાવવા કેમિકલયુક્ત એસેન્સનો વપરાશ

ઉનાળાની સીઝનમાં આઇસ્ક્રીમ અને કેન્ડીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં હલ્કી ગુણવત્તાની ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ ઉઠતા કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા જૂના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ખોડીયાર પાર્ક-2માં શ્રી ક્રિષ્ના કુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 100 કિલો કેન્ડીનો નાશ કરી નમૂના લઇ ચકાસણી અર્થે મોકવામાં આવ્યા છે.

Img 20220519 Wa0070

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જૂના મોરબી રોડ પર કૃષ્ણ ગોપાલ ભૂરી શીંગ પાલની માલિકીના શ્રી ક્રિષ્ના કુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ નામની ઉત્પાદન પેઢીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ચોકોબાર, મેંગો ડોલી, માવા કેન્ડી, મેંગો જ્યુસી અને વેનીલા આઇસ્ક્રીમનું ઉત્પાદન બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યુ હતું. ચોકોબાર કેન્ડી બનાવવા માટે મિલ્ક ફેટ કે સરકાર માન્ય વેજીટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવતો ન હતો.

જ્યારે મેંગો ડોલી બનાવવામાં કેમિકલ એસેન્સનો ઉપયોગ કરાતો હતો. કેન્ડીનો પેકીંગ કરવામાં આવતું નથી અને કોઇ લેબલ પણ લગાડવવામાં આવતા ન હતા. ચેકીંગ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં મળી આવેલી 60 કિલો ચોકોબાર કેન્ડી અને 40 કિલો મેંગો ડોલી કેન્ડીનો નાશ કરવામાં આવ્યો હતો અને ચોકોબાર કેન્ડીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યો છે.

સ્ટોરેજ અંગે પેઢીના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રણછોડ નગર શેરી નં.8માં અંબર પ્લાઝા શોપ નં.3માં આવેલા આઝાદ હિન્દ ગોલામાંથી મેંગો ફ્લેવર્ડ સીરપનો નમૂનો લેવામાં આવ્યો હતો. અલગ-અલગ નવ સ્થળોએ ચેકીંગ હાથ ધરી આઠ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.