Abtak Media Google News

અમેરિકાની સુપ્રીમે ‘ગર્ભપાત’ ની છૂટ ઉપર કાતર ફેરવી

અમેરિકામાં હવે કોઈ પણ મહિલા અનિચ્છનીય પ્રેગનેન્સી થવા પર ગર્ભપાત કરાવી શકશે નહીં. અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગર્ભપાત પર મહત્વનો નિર્ણય આપ્યો અને પોતાનો જ 50 વર્ષ જૂનો નિર્ણય પલટી નાખ્યો. કોર્ટના આ ચુકાદા બાદ અમેરિકામાં માહોલ ગરમાયો છે અને લોકો કોર્ટના આ આદેશ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને લોકોને શાંતિ જાળવવા અને અહિંસક રીતે પોતાની વાત રજૂ કરવાની અપીલ કરી છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટના 9 સભ્યોની પેનલે શુક્રવારે પોતાના ચુકાદામાં કહ્યું કે દેશના બંધારણે કોઈ પણ મહિલાને ગર્ભપાતનો અધિકાર આપ્યો નથી. આવામાં અમેરિકાના તમામ સ્ટેટ આ મુદ્દે પોત પોતાના કાયદા બનાવી શકે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે આ મામલે 50 વર્ષ જૂના રો વિ. વેડ કેસમાં આપેલા ચુકાદાને પલટી નાખ્યો છે. કોર્ટે ગર્ભપાત પર શુક્રવારે બે મહત્વના ચુકાદા આપ્યા. પહેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે  ’મિસ્સીપી લો’ ને યથાવત રાખ્યો જેમાં જોગવાઈ છે કે પ્રેગનેન્સીના 15 સપ્તાહ પસાર થઈ ગયા બાદ કોઈ મહિલા ગર્ભપાત કરાવી શકશે નહીં. આ ચુકાદો 6-3 ના બહુમતથી અપાયો. બીજો નિર્ણય રો વિ. વેડ કેસમાં આપ્યો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 5-4ના બહુમતથી 50 વર્ષ પહેલા અપાયેલા અબોર્શનના અધિકારને ફગાવી દીધો.

જો કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સે પોતાના અલગ ચુકાદામાં લખ્યું કે તેઓ મિસિસિપ્પી કાયદાનું તો સમર્થન કરે છે પરંતુ તેમણે રો વિ. વેડ કેસમાં અપાયેલા અધિકારને ખતમ કરવા માટે કોઈ પગલું લીધુ નથી.

સુપ્રીમના ચુકાદા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન

કોર્ટના આ ચુકાદા બાદ અમેરિકામાં તરત વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. લોકો આ ચુકાદા વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. અને પ્રાઈવસીનો ભંગ ગણાવી રહ્યા છે. સ્થિતિ તણાવપૂર્ણ જોતા અમરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદન બહાર પાડીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી. બાઈડેને લોકોને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશને પાછળ લઈ જનારો છે. તેની દેશની પ્રતિષ્ઠા પર વિપરિત અસર થશે.

કોર્ટે પલટ્યો પોતાનો જ 50 વર્ષ જૂનો આદેશ

કોર્ટે પોતાના જે આદેશને પલટ્યો છે તે 1973 માં અપાયો હતો. આ કેસનું નામ રો વિ. વેડ હતું. કેસમાં નોર્મા મેકકોવી નામની મહિલાએ કેસ દાખલ કર્યો હતો. મહિલાનું કહેવું હતું કે તેને પહેલેથી જ 2 બાળકો છે અને હવે તે ત્રીજીવાર પ્રેગનેન્ટ થઈ છે. આવામાં તે અનિચ્છનીય બાળકનો ગર્ભપાત કરાવવા માંગે છે. મહિલાએ આ અંગે અમેરિકી ફેડરલ કોર્ટમાં અરજી પણ દાખલ કરી જેણે તે ફગાવી દીધી. ત્યારબાદ ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટમાં લાંબી સુનાવણી બાદ અરજીકર્તા મેકકોવીની ફેવરમાં ચુકાદો આવ્યો. કોર્ટે કહ્યું કે મહિલા ક્યારે બાળક પેદા કરવા માંગે છે તે તેનો અંગત નિર્ણય હોવો જોઈએ. આ અંગે કોઈ અન્ય વ્યક્તિ નિર્ણય લઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ અમેરિકામાં મહિલાઓને અબોર્શનનો કાયદાકીય અધિકાર મળી ગયો. જો કે શુક્રવારે અપાયેલા કોર્ટના આ ચુકાદાથી મહિલાઓ પાસેથી તે અધિકાર ફરીથી છીનવાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.