Abtak Media Google News

પોરબંદર પંથકમાં તમામ ઉધોગો બંધ થઈ રહ્યા હોય જો બેસન પ્લાન્ટ સ્થપાય તો ઘેડ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થવાની સંભાવના વ્યકત કરતા સાંસદ

પોરબંદર જીલ્લામાં સમાવિષ્ટ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકી પ્રદેશથી ભૌગૌલિક રીતે જુદો પડતો વિશિષ્ટ પ્રદેશ છે. ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે આ પ્રદેશમાં શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યાં સુધી પાણી ભરાયેલા રહે છે. ઘેડ પંથકના ગામડા ઉંચા ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પૂર આવે ત્યારે એ બેટ બની જાય છે. ઘેડ પંથકની કપરી ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘેડ પ્રદેશનો વિકાસ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર કરતા ઓછો થયેલો છે.ઘેડ પ્રદેશની આવી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન માત્ર એક જ પાક ચણા લઈ શકે છે. આ પ્રદેશમાં થતા ચણા ઉચ્ચ ગુણવત્તાના હોય છે. વર્ષ-2021-22માં 70000 મેટ્રીક ટન જેટલા ચણાનું ઉત્પન થયેલ હતું.

પોરબંદર વિસ્તારમાં મોટા ઉદ્યોગો ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે તેવા સમયે ઘેડ વિસ્તારના વિકાસ માટે પોરબંદર જીલ્લામાં બેસન અને ચણાની વેલ્યુ એડેડ પ્રોડકટ્સના ઉત્પાદન માટે આધુનિક પ્લાન્ટ શરૂ કરવામાં આવે તો ચણા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને ઘેડ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે. આ વિકાસથી પોરબંદર જીલ્લામાં સોનાનો સૂરજ ઉગશે અને ખેડૂતોને તેનો લાભ મળશે અને આ વિસ્તારના લોકોને રોજીરોટી મળશે.ઘેડ વિસ્તારના વિકાસ માટે પોરબંદર જીલ્લામાં બેસન અને ચણાની વેલ્યુ એડેડ પ્રોડકટ્સના ઉત્પાદન માટે આધુનિક પ્લાન્ટ શરૂ કરવા સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા અમિતભાઈ શાહ, ગૃહ અને સહકાર મંત્રીને રજુઆત કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.