Abtak Media Google News

હોંગકોંગ સામે વિજય સાથે ભારતે સુપર-4 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો: સુર્યકુમાર યાદવની તોફાની ઇનિંગ

એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે હોંગકોંગ સામે રમાયેલી મેચમાં 40 રને વિજય તો મેળવ્યો પણ એક ટાઈમે તો હોંગકોંગના ટબુડિયાઓએ ભારતીય બોલરોને પરસેવો પડાવી દીધો હતો. અર્શદીપ-આવેશે બોલિંગમાં જે રીતે ભૂલો કરી છે જો આગામી મેચમાં પણ રિધમ વિનાની બોલિંગ હશે તો ટિમ ઇન્ડિયાને મોટો ફટકો લાગી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, હોંગકોંગે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલીના અણનમ 59 અને સૂર્યકુમાર યાદવના અણનમ 68 રનની મદદથી ભારતે નિર્ધારીત 20 ઓવરમાં બે વિકેટે 192 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં હોંગકોંગની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 152 રન જ નોંધાવી શકી હતી.

હોંગકોંગના સુકાની નિઝાકત ખાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સુકાની રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી ઓપનિંગમાં આવી હતી. આ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને ત્યારબાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગની મદદથી ભારતે નિર્ધારીત 20 ઓવરમાં બે વિકેટે 192 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. રાહુલ અને રોહિત શર્માની જોડીએ 4.5 ઓવરમાં 38 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 13 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે 21 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રાહુલે 39 બોલમાં 36 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં બે સિક્સર સામેલ હતી. જોકે, ભારતીય બેટિગંનું આકર્ષણ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની બેટિંગ કરી હતી. કોહલી લયમાં જોવા મળ્યો હતો અને તેણે ઘણા આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે અંતિમ ઓવર્સમાં તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી જેના કારણે ભારત મોટો સ્કોર નોંધાવી શક્યું હતું. આ જોડીએ 98 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.

વિરાટ કોહલીએ 44 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 59 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમારે ફક્ત 22 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. તે 26 બોલમાં છ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 68 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હોંગકોંગ માટે આયુષ શુક્લા અને મોહમ્મદ ઘઝનફરે એક-એક વિકેટ ખેરવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.