Abtak Media Google News

ડ્રેસ કોડ નહીં હોય તો લોકો મિડી કે મિનિ કંઈ પણ પહેરીને આવશે: સુપ્રીમ

દેશભરમાં ગાજેલા કર્ણાટકના હિજાબ વિવાદમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક જાહેર સ્થળે કોઈને કોઈ ડ્રેસ કોડ હોય જ છે. શું સ્કૂલ-કોલેજમાં નક્કી ડ્રેસ કોડનું પાલન નહીં કરીને હિજાબ પહેરવાને યોગ્ય ઠેરવી શકાય?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચે કહ્યું કે, આપણે ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમવા જઈએ, તો ત્યાં પણ ડ્રેસ કોડ હોય છે. હાલમાં જ એક મહિલા વકીલ જિન્સ પહેરીને કોર્ટમાં આવ્યા હતા, ત્યારે તેમને પણ કહેવાયું હતું કે, આ ડ્રેસ તમે અહીં ના પહેરી શકો. ત્યારે તેમણે એમ નહોતું કહ્યું કે, તેઓ એ જ ડ્રેસમાં દલીલો કરશે. તમે કહો છો કે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ ફરજિયાત ના હોય. તો પછી વિદ્યાર્થિનીઓ મિડી કે મિની કશું પણ પહેરીને આવવા લાગશે.

વાત એ છે કે, કર્ણાટકમાં કેટલીક કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ બહેરીને આવતા વિવાદ સર્જાયો હતો. બાદમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ કેટલીક વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે આ વર્ષે 15 માર્ચે યુનિફોર્મનું પાલન કરવાના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. હવે તેની વિરુદ્ધ આવેલી 20 થી વધુ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

હિજાબનું સમર્થન કરનારા અરજદાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ યુનિફોર્મ નક્કી કરવાના સરકારના અધિકાર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે દલીલ કરી છે કે, મોટા ભાગના સ્થળે સલવાર-કમીઝ અને દુપટ્ટો યુનિફોર્મ છે. કેટલીક યુવતીઓ દુપટ્ટો માથા પર ઢાંકે તો શું મુશ્કેલી છે? કોલેજમાં વધુ કપડાં પહેરવા એ ડ્રેસ કોડનું ઉલ્લંઘન નથી. તેમને ધાર્મિક કારણસર જ ટાર્ગેટ કરાય છે, એટલે આ વિવાદ સર્જાયો છે.

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદમાં પોતાનો ચુકાદો આપતાં અવલોકન કર્યું હતું કે, સ્કૂલ યુનિફોર્મનું પ્રિસ્ક્રિપ્શન વાજબી પ્રતિબંધ છે, જેની સામે વિદ્યાર્થી વાંધો ઉઠાવી શકે નહીં. આ સાથે કોર્ટે એ પણ અવલોકન કર્યું કે, 5 ફેબ્રુઆરીના રાજ્ય સરકારના આદેશને અમાન્ય કરવા માટે કોઈ કેસ કરવામાં આવતો નથી.  કોર્ટે કહ્યું કે, અમારું માનવું છે કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું એ ઇસ્લામ ધર્મમાં ફરજિયાત ધાર્મિક પ્રથાનો ભાગ નથી.

ભારતીય બંધારણમાં તમામ નાગરિકોને અનેકવિધ સ્વતંત્રતા આપવામાં આવી છે. જેમાં વાણી, પોશાક, ભોજન સહિતની સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સ્વતંત્રતા કેટલા અંશે હોવી જોઈએ તે અંગે આજે મોટો નિર્ણય લેવામાં આવનાર છે. શાળા-કોલેજમાં યુનિફોર્મ રાખવામાં આવતો હોય છે જેનો સીધો અર્થ થાય છે કે, ’એકસમાન’. શાળા-કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ એકસમાન લાગે તેના માટે યુનિફોર્મ પ્રથા અમલી બનાવવામાં આવી હતી પરંતુ શાળા-કોલેજમાં હિજાબ પહેરી શકાય કે નહીં? તે સવાલ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. જે મામલે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.