Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીમાં ઢમ ઢોલ માહે પોલમ પોલ

  • પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ચાર ડીસીપી, 13 એસીપી અને 35 પોલીસ ઇન્સ્પેકટર સહિતની ફોજ છતાં પરિણામ શુન્ય
  • રાજકોટ પોલીસ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે ‘સિંધમ’ કયારે બનશે?: માથાભારે શખ્સો સામે અટકાયતી પગલા, પાસા અને તડીપારની કામગીરીથી પોલીસને સંતોષ!
  • બુથ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં ઠેકાણા નથી બીજી તરફ ચૂંટણી ફરજ પર આવતા પેરામીલ્ટ્રીના સ્ટાફની કંઇ રીતે મદદ લેવા સહિતની કામગીરીમાં પેપર વર્ક નબળું

વિધાનસભાની પ્રથમ તબ્બકાની ચૂંટણીને ગણતરીના દિવસો આડે રહ્યા છે. તેમ છતાં પોલીસ સ્ટાફ દ્વારા મતદાન બુથ મુજબની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ગોથે ચડી હોય તેમ પોલીસ બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપી શકાયો નથી. શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીનો ખડલો કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે કામ કરી શકે તેવા અનુભવી પોલીસ સ્ટાફનો અભાવ હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર અને તમામ 13 એસીપી માટે રાજકોટ શહેરની આ પ્રથમ ચૂંટણી છે. રાજકોટના રાજકીય અને ભૌગોલિક રીતે માહિતગાર ન હોવાના કારણે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થતા હોવાથી પોલીસનું એક સાંધે ને તેર તુટે જેવી સ્થિતી સર્જાય છે.

શહેરના પોલીસ સ્ટાફમાં થયેલા ધરમુળથી ફેરફારના કારણે શહેરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર સૌરભ તંબોલીયા, ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમરા દેસાઇ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી બી.વી.જાદવ, એમ.આર.પરમાર, ભાર્ગવ પંડયા, બી.જે.ચૌધરી, બી.બી.બસીયા, એમ.આઇ. પઠાણ, વી.એમ.રબારી, વી.જી.પટેલ, આર.એસ.બારૈયા, પી.એ.પરમાર, જે.બી.ગઢવી અને વી.આર.પટેલ તેમજ 35 જેટલા પોલીસ ઇન્સ્પેકટર અને ફોજદારનો મોટો કાફલો છે. તમામનું તાજેતરમાં જ રાજકોટમાં પોસ્ટીંગ થયું હોવાથી રાજકોટના ચૂંટણી માહોલ, ગુનાખોરી અને ભૌગોલિક રીતે અજાણ છે. બંદોબસ્તની સ્કીમ તૈયાર કરતા હેડ કોન્સ્ટેબલ કક્ષાના સ્ટાફ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવતા વીવીઆઇપીઓના કારણે તેમના બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવામાં પોલીસ સ્ટાફ માટે મુળ વાત ભુલાઇ ગઇ હોય તેમ બુથ મુજબ બંદોબસ્તની સ્કીમ હજી સુધી તૈયાર થઇ નથી રાજકોટમાં ચૂંટણી દરમિયાન પોલીસનો કેટલો સ્ટાફ કયાંથી આવશે અને તેઓને કયાં ફરજ સોપવામાં આવી છે તે અંગે હજી કંઇ ઠેકાણું નથી બંદોબસ્ત માટે બહારથી આવેલા પેરામીલ્ટ્રી ફોર્સ, હોમ ગાર્ડ અને એસઆરપીને રહેવા જમવા વ્યવસ્થા પણ તાત્કાલિક રીતે ગોઠવવી પડી છે.ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવે છે, માથાભારે શખ્સો સામે અટકાયતી પગલા, પાસા હેઠળ કાર્યવાહી અને તડીપાર કરવામાં આવે છે આ ઉપરાંત હથિયાર પણ જમા લેવામાં આવે છે. આ અંગેની ઉચ્ચ પોલીસ અધિકારી પાસે કંઇ માહિતી ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

ચૂંટણીમાં 29 પેરામીલીટરી ફોર્સની મદદ લેવાશે

વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે 29 પેરામીલ્ટ્રી ફોર્સ કંપનીની મદદ લેવામાં આવી છે. જમાં સાત કંપની રાજકોટમાં આવી ગઇ છે, બે દિવસમાં બાકીની 22 કંપની આવી જશે આ ઉપરાંત 1000 જેટલા હોમગાર્ડ જવાનોની અન્ય જિલ્લામાંથી મદદ લેવામાં આવી છે. 75 જેટલા અન્ય જિલ્લાના ફોજદારોને રાજકોટની ચૂંટણી બંદોબસ્તની ફરજ સોપવામાં આવશે, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા અત્યાર સુધીમાં 33 શખ્સોને પાસા, 60 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. 5,882ની સામે અટકાયતી પગલા માટે મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા છે. 32 નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ અંગે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.