મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો આરંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી ’કાંકરિયા કાર્નિવલ- 2022’ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાંકરીયાનો રંગરૂપ બદલીને અને અમદાવાદમાં સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વિકસાવીને સુશાસનનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંતા આયોજનોને પરિણામે આજે આ કાંકરિયા લેકફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બની ગયું છે.
સુશાસનના પ્રતીક સમો સુંદર અટલ બ્રિજ અમદાવાદની રોનક વધારી રહ્યો છે. ગાંધી બ્રિજથી અટલ બ્રિજની થીમ કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગને ખૂબ અનુરૂપ છે. એટલું જ નહીં આ થીમ અંતર્ગત થનારા કાર્યક્રમો અમદાવાદના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું
કાંકરિયા કાર્નિવલના આયોજનને લઇને મુખ્યમંત્રીએ કહ્યું કે, બે વર્ષ બાદ આ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે એટલે લોકોમાં ઉત્સાહ બમણો છે. આ વખતે પણ કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરો, નૃત્યનાટિકાઓ, લેઝર બીમ શો, યોગા-એરોબિક્સ, લાઈવ કેરેક્ટર્સ, ફૂડ ફેસ્ટિવલ, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો તથા ડોગ શો ઉપરાંત નાનાં બાળકો માટે સાહસિક પ્રવૃત્તિઓ જેવાં સુંદર આયોજનો કરવામાં આવ્યાં છે. સાથે-સાથે કાંકરિયાની કિડ્ઝ સિટી, ટોયટ્રેન, ઝૂ, એક્વેરિયમ વગેરેની મજા નગરજનો માણી શકશે અને કાર્નિવલના સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના પરિસરમાં પ્રારંભ થયેલા પંચમહોત્સવની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જોવા મળે છે અને ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચમહોત્સવમાં જોવા મળે છે. પરંપરાની જાળવણી સાથે આધુનિકતાને અપનાવવાની નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકસાવેલી પ્રણાલી આ બન્ને મહોત્સવોમાં સાકાર થઈ છે.
પાવાગઢના પંચમહોત્સવમાં પણ લોકોને મનોરંજન સાથે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ અપાવે એવાં આયોજનો કરવામાં આવ્યાં છે. કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના પંચમહોત્સવ આ બન્ને લોકોત્સવોનો વધુમાં વધુ લોકો લાભ લેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, દેશના અમૃતકાળમાં વડાપ્રધાન એ ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય આપ્યું છે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવાના સેવાયજ્ઞમાં સૌએ યોગદાન આપવાનું છે.