Abtak Media Google News

જનશકિતએ મૂકેલો  અપાર વિશ્ર્વાસ અમે કયારેય તુટવા નહી દઈએ: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.

Advertisement

મુખ્ય મંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે  વડોદરામાં   ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રૂ.230 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા 3.50 કી.મી.ના નવીન ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.  સમા વિસ્તારમાં રૂ.64.82 લાખના ખર્ચે નિર્માણ થયેલ ઉદ્યાનનું લોકાર્પણ કરવા સાથે વડોદરાનું ગૌરવ એવી ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરનું વડોદરા મહાનગરપાલિકાને હસ્તાંતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી એ કહ્યું કે, રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને સીએમ ડેશ બોર્ડ સાથે જોડી તેનું મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું છે. જેથી શહેરીજનોને મુશ્કેલીઓ ઓછી પડે તેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ જ સુશાસન છે.

આ માટે રાજ્ય સરકાર એક ફેમિલી કાર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ફેમિલી કાર્ડ ધરાવતા લાભાર્થી પરિવારે એક યોજનાઓ લાભ લીધો હોય ત્યારે સરકારી કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજ અન્ય યોજના માટે માન્ય રહે તેવી વ્યવસ્થા વિકાસવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિને ધ્યાને રાખીને જ અમારી સરકારે આયુષ્યમાન કાર્ડ ધારકોને મળતી રૂ. 5 લાખ સુધીની વિના મૂલ્યે સારવારમાં મર્યાદા વધારીને રૂ. 10 લાખની કરવામાં આવી છે. રાજ્યના દર્દીઓની સમસ્યાને સંવેદનાપૂર્વક ઉકેલીને તાલુકા કક્ષાએ ડાયાલિસીસ સેન્ટર અને જિલ્લા કક્ષાએ કિમોથેરાપીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

વિદેશી રોકાણકારો માટે  સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ પસંદગીનું રાજ્ય છે,  રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણને કારણે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ છે. જે કહેતું તે કરવું અને જે કરી શકાય હોય એટલું કહેવું એવા સુશાસનની કાર્યસંસ્કૃતિ અમને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના વારસામાં મળી છે. જેના પરિણામે ગુજરાત આજે તમામ ક્ષેત્રેમાં દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે.

ગુજરાતને ડબલ એન્જીન સરકારનો ભરપૂર લાભ મળી રહ્યો છે. રાજ્યમાં માર્ગો છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. એટલું જ નહીં, ડબલ લેનને ફોર લેન, ફોર લેનને સિક્સ લેન માર્ગમાં રૂપાંતરિત કર્યા છે. પૂલો, અન્ડર પાસ, રેલ્વે ઓવર અને અન્ડર બ્રિજની આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઇ રહી છે.

પ્રારંભમાં મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાએ સૌનો આવકાર કરતા જણાવ્યું કે, વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યા આ નવીન બ્રિજથી હલ થશે.આ બ્રિજને સાકાર કરવા માટે રૂ.100 કરોડ ફાળવીને તેના કામને વેગ આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રી તેમજ ભાજપ રાજ્ય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પીઠબળથી વડોદરાના અગત્યના વણ ઉકેલ્યા પ્રશ્નો હલ થયા છે. તેમણે ચુંટણીમાં ભવ્ય વિજયની ભેટ આપવા માટે નગરજનોનો આભાર માન્યો હતો અને અટલજી અટલ થે સદૈવ અટલ રહેંગે ની પંક્તિઓ સાથે સુશાસન દિવસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીને હાર્દિક અંજલિ આપી હતી. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

મુખ્યમંત્રી  જ્યારે સયાજી નગરગૃહમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રજાની અપાર લોકચાહનાના પરિણામે મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ બીજી વખત સંભાળવા બદલ આ અભિવાદન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.