Abtak Media Google News

શનિવારે ઉત્તરાયણનું પર્વ હોય પતંગરસીકોનો ઉત્સાહ બેવડાયો, સવારથી અગાસી પર સંગીતની સંગાથે જામશે પતંગયુધ્ધ: દાન થકી પુણ્યનું ભાથુ બાંધશે લોકો: જીંજરા, ચિકી, પતંગ, દોરાની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ

ગુજરાતવાસીઓ આવતીકાલે પોતાના સૌથી માનીતા પૈકીના એક એવા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. આવતીકાલે અગાસી જ આનંદ લુંટવાનું માધ્યમ બનશે. નાના ભૂલકાઓથી માંડી વડીલો સુધી તમામ વયના લોકો ઉત્સાહ સાથે મકર સંક્રાંતીના પર્વની મોજથી ઉજવણી કરશે. ધાબા પર ઉંધીયું, જલેબી, જીંજરા, ચીકી, શેરડીની જયાફત જામશે. દિવસ આખો કાપયો છે….લપેટ લપેટની કિકિયારીથી અગાસી ગુંજી ઉઠશે.

આ વર્ષ શનિવારના દિવસે ઉત્તરાયણનું પર્વ આવતું હોવાના કારણે પતંગરસિકોનો ઉત્સાહ બેવડાયો છે. રવિવારે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. શનીવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસા વગાડવા પણ આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતા એક સાથે અનેક તહેવારોના આનંદ ઉઠાવતી હોય છે. દિવસ આખો પતંગ ઉડાડ્યા બાદ સાંજે ફટાકડા ફૂટશે અને રાસ ગરબાની ધુમ પણ મચશે.

દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસથી સુર્યના તેજમાં વધારો થાય છે. આ દિવસે સુર્ય પૃથ્વીની પરિક્રમા કરવાની દિશા બદલાવીને ઉત્તર તરફ વાળે છે. જેથી ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. દાન પુણ્યનું ખૂબ જ મહત્વ રહ્યું છે.

ઉત્તરાયણના દિવસે ઘઉં, બાજરી કે જુવારનો ખીચડો બનાવી બહેન-દિકરીઓને ખવડાવવામાં આવે છે. ગાય માતાનું પુજન કરવામાં આવે છે. વિવિધ રાશીના લોકો અલગ-અલગ ચીજવસ્તુઓનું દાન કરવામાં આવે છે. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી માટે ગુજરાત ખૂબ જ જાણીતું છે. લોકો કાલે સવારથી અગાસી પર ચઢી જશે. દિવસભર પતંગ ચગાવશે. અગાસી પરથી આખો દિવસ કાપયો છે, લપેટ….લપેટ, એ ગ્યો જેવા અવાજો સતત ગુંજતો રહેશે. આકાશમાં ઇન્દ્રધનુષની માફક રંગેબેરંગી પતંગોની અદ્ભૂત રંગોળી પુરાશે.

પતંગ રસિકો વહેલી સવારથી જ અગાસી પર કબ્જો જમાવી લેશે. ધાબા પર ઉંધીયુ, જલેબી, જીંજરા, ચિકી અને શેરડીની જયાફત ઉડશે. અગાસી પરથી પતંગ યુધ્ધ જામશે. સુર્યાસ્ત થતાની સાથે જ આકાશમાં પતંગ સાથે ફાનસ બાંધી ઉડાડવામાં આવશે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં વાસી ઉત્તરાયણની પણ હોંશભેર ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ઉત્તરાયણ શનીવારે છે.

બીજા દિવસે રવિવારની પણ રજા હોવાના કારણે રાજકોટ સહિતના શહેરોમાં પતંગવીરો વાસી ઉત્તરાયણની ઉજવણી કરવા તલપાપડ થઇ રહ્યાં છે. આજે બજારમાં પતંગ, દોરા, ચીકી, જીંજરા, શેરડી અને ઉંધીયુ શાક બનાવવા માટે વિવિધ પ્રકારના શાકભાજીની ખરીદી કરવા માટે ગૃહીણીઓ ઉમટી પડી હતી. બજારમાં સારી એવી ઘરાકી જોવા મળી હતી.

કાલે બપોર પછી પતંગ રસીકોને મોજ પડશે: પવનની ગતિ બમણી થશે

હવામાન વિભાગના જણાવે છે કે, પવનની ગતિ 10 કિ.મી. કે તેથી વધારે હોય ત્યારે પતંગ ચગાવવાનો આનંદ સારી રીતે માણી શકાય છે. આ વખતે પણ ગતિ વધારે રહેશે. શુક્રવારે આખો દિવસ પવનની ગતિ ક્યારેક 15 તો ક્યારેક 20 કિ.મી. પ્રતિ કલાક સુધી જશે.આ પવન પશ્ચિમી દિશામાંથી આવતા હશે. સંક્રાંતે એટલે કે શનિવારે પવનની ગતિમાં સવારે નજીવા ઘટાડા સાથે 12થી 15 કિ.મી. રહેશે અને પવનની દિશા ઉત્તર પશ્ચિમ રહેશે. જોકે બપોર બાદ પવનની દિશા ઉત્તરની થશે અને તેની ઝડપ પણ 15 કિ.મી. પ્રતિ કલાકથી વધારે જોવા મળશે. આ કારણે પતંગ સારી રીતે ચગાવી શકાશે.

કાલે સાંજે અગાસી પર સામુહિક હનુમાન ચાલીસા

ઉત્તરાયણ પણ  જોગાનુજોગ શનિવારે આવતી હોય અનોખા સંયોગને ફરી ભક્તિમય માહોલમાં સામુહિક હનુમાન ચાલીસા વગાડવા હનુમાન કથા યુવા સમિતિ દ્રારા રાજકોટ વાસીઓને આહવાન કરવામાં આવેલ છે.

આ વખતે ઉતરાયણ શનિવારે  છે. એટલે ધાબા ઉપર લાઉડસ્પીકર માં બરાબર સાંજે  7.00 વાગે બધાએ એક સાથે હનુમાન ચાલીસા વગાડવાની છે,જેવી રીતે ઘર ઘર તિરંગા ઉજવ્યું એવી જ રીતે ઘર ઘર હનુમાન ચાલીસા ઉજવવાનું છે.

વાતાવરણ એવું ઉભુ કરવાનું કે હનુમાન દાદા આપણી ઉપર પ્રસન્ન થઈ જાય.હનુમાન ચાલીસા પૂરી થાય એટલે જોરથી જય શ્રી રામનાં નારા લગાવવા વીંનતી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.