Abtak Media Google News

બેંક નિફ્ટી પણ 800થી વધુ પોઇન્ટ તૂટી: બૂલીયન બજાર પણ મંદીના ભરડામાં, રૂપિયો મજબૂત

વૈશ્ર્વિક બજારોમાં મંદીના કારણે આજે ભારતીય શેરબજારમાં પણ મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધેમાથે પટકાયા હતાં. સેન્સેક્સે 61 હજારની અને નિફ્ટીએ 18 હજારની સપાટી તોડી હતી. બેંક નિફ્ટીમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બૂલીયન બજાર પણ મંદીના ભરડામાં આવી ગયું છે. જો કે અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.

આજે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા હતાં. એક તબક્કે સેન્સેક્સ 60324.75ની નીચલી સપાટી સુધી પહોંચી ગયો હતો. નીચા મથાણે થોડી લેવાલીના કારણે બજારમાં થોડી રિક્વરી જોવા મળી હતી અને સેન્સેક્સ ઉંચકાઇ 60899.21 સુધી આવી ગયો હતો. નિફ્ટીમાં પણ ભારે કડાકા બોલી ગયા હતાં. આજે નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં 18 હજારની સપાટી તોડી 17914.50ના લેવલ સુધી સરકી ગઇ હતી. ઉપલી સપાટી 18100.60 સપાટી સુધી પહોંચી હતી. બેંક નિફ્ટીમાં આજે તોતીંગ કડાકા બોલી ગયા હતાં. બેંક નિફ્ટી 800થી વધુ પોઇન્ટ તૂટી હતી. જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતાં. બૂલીયન બજાર પણ મંદીના ભરડામાં સમેટાયું હતું.

આજની મંદીમાં ટીવીએસ મોટર્સ, મારૂતિ સુઝુકી, ઇન્દાલ્કો, બજાજ ઓટો જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અંબુજા સિમેન્ટ, અદાણી પોર્ટ, એસસીસી સિમેન્ટ, એસબીઆઇ અને ટાટા મોટર્સ જેવી કં5નીના શેરોના ભાવોમાં તૂટ્યા હતાં.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 652 પોઇન્ટના ઘટાડા સાથે 60326 અને નિફ્ટી 203 પોઇન્ટના ઘટાડા સાથે 17915 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસાની મજબૂતાઇ સાથે 81.65 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.