Abtak Media Google News

આગોતરા જામીન અરજીની સુનવણી પૂર્વે જ અદાલતના શરણે આવેલા જયસુખ પટેલનો પોલીસ તપાસ અર્થે કબ્જો લેશે

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના જીવ હોમવાના મુખ્ય સૂત્રધાર ઑરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. આગોતરા જામીન અરજીની સુનવણી પૂર્વે જ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ કોર્ટના શરણે આવતા પોલીસ તપાસ અર્થે તેમનો કબ્જો લેશે.

આ અંગેની પ્રાપ્ત વિગત મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135થી વધુ લોકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસ ધરપકડની દહેશતે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેના ઉપર આવતીકાલે કોર્ટ સુનાવણી હાથ ધરે તે પહેલાં જ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટમાં જ સરેન્ડર કર્યું છે.

આ કેસની હકીકત મુજબ ગત 30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજી ટોપિયા, માદેવ લાખા સોલંકી, પ્રકાશ લાલજી પરમાર, દેવાંગ પ્રકાશ પરમાર, અલ્પેશ ગલા ગોહિલ, દિલીપ ગલા ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા. જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. પુલના ચોકીદાર, ટિકિટ કલેક્ટર, કંપનીના મેનેજર, પુલ રીપેર કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ જયસુખ પટેલ સુધી પહોંચવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે.

આ તરફ હવે ચાર્જશીટ ફાઈલ કરવાની તારીખ પણ નજીક આવી ગઈ હતી. જેના કારણે પોલીસે ચાર્જશીટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે ફરિયાદ નોંધાઇ ત્યારે પોલીસે એફઆઈઆરમાં પુલનું રીનોવેશન અને સંચાલન કરનાર કંપની તેને જ આરોપી દર્શાવ્યા હતા. કોઈ નામ વગર જ પોલીસે ફરિયાદ નોંધી હતી. જે પછી ઓરેવા કંપનીના મેનેજરની ધરપકડ થઈ હતી.

ત્યાર બાદ અનેક મસ્કત બાદ આખરે ગોઝારી દુર્ઘટનામાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સામે ગુનો નોંધાયો હતો. તેની સાથે જ જયસુખ પટેલ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેની સુનવણી કોર્ટ આવતીકાલે કરવાની હતી. પરંતુ તે પહેલાં જ આજરોજ જયસુખ પટેલ કોર્ટમાં હાજર થઈ ગયા છે. જેથી ટૂંક સમયમાં જ પોલીસ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનો તપાસ અર્થે કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોર્ટે અન્ય 9 આરોપીઓને ચાર્જશીટની નકલ આપવાનો નિર્ણય લીધો હતો ઉપરાંત આ અરોપી વતી વકીલે 164 લોકોના નિવેદનોની નકલ મેળવવા પણ અરજી કરી હતી જેની આવતીકાલે સુનાવણીહાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.