Abtak Media Google News

ગ્રીન એનર્જીથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતા ગુજરાતના ટેબ્લો-‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ માં અવ્વલ ક્રમ મેળવી રાજ્યને ગૌરવ પ્રાપ્ત કરાવ્યુ.

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૩ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર દેશના ૧૭ રાજ્યો તથા ૬ મંત્રાલયો મળીને કુલ ર૩ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાતે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સૌર- ઊર્જાના મહત્તમ ઉપયોગથી ક્લિન ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગનો ધ્યેય સફળતાપૂર્વક પાર પાડ્યો છે.

કચ્છ ખાતે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જીને હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની આ બેજોડ ઉપલબ્ધિને આ વખતની ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ ૨૪x૭ સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ, PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીના કલાત્મક લીંપણ, રણના વાહન ઊંટ તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સરીખા રાસ-ગરબાને પણ દર્શાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એશિયાનો સૌપ્રથમ સોલાર પાર્ક પાટણના ચારણકા ખાતે સ્થાપ્યો હતો. માત્ર એટલું જ નહીં ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ ગુજરાત બન્યું હતું.

આ વર્ષે, તા. 26 થી 28 જાન્યુઆરી, 2023 દરમિયાન ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો દેશભરના રાજ્યોમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં અગ્રીમ વિજેતા જાહેર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.