Abtak Media Google News

ન્યુઝીલેન્ડ રાષ્ટ્રના ઇતિહાસમાં ફક્ત ત્રીજીવાર કટોકટી જાહેર કરાઈ

ન્યુઝીલેન્ડ સરકારે નોર્થ આઇલેન્ડ પર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ગેબ્રિયલને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલા પછી ૨૦૧૯માં અને ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન કટોકટીના લાદવામાં આવી હતી.

ચક્રવાત ગેબ્રિયલને કારણે ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે. તેમજ દરિયાઈ મોજા પણ ઉછળી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ૪૦ હજારથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે અને સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

ચક્રવાત ગેબ્રિયલને કારણે ભારે વરસાદ અને જોરદાર પવનથી હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાતા ઈમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કિરન મેકએનલ્ટીએ આ કટોકટીની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. મેકએનલ્ટીએ જણાવ્યું હતું કે આ એક અભૂતપૂર્વ હવામાન ઘટના છે જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર મોટી અસર કરી રહી છે.

સમગ્ર ઘટના અંગે ઓકલેન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટના ડેપ્યુટી કન્ટ્રોલરે જણાવ્યું છે કે, ન્યુઝીલેન્ડ રાષ્ટ્ર માટે આ ઘટના ખૂબ જ ગંભીર બાબત છે અને તેની સામે લડવા માટે અમે તમામ બનતી કોશિશ કરી રહ્યા છીએ.

ન્યુઝીલેન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટના મંત્રી કાયરન મેકએંલ્ટીએ જણાવ્યું છે કે, મંગળવારે ભારે પવન અને ચક્રવાતને કારણે મોટી નુકસાની સર્જાઈ છે અને તેને રોકવા માટે રાષ્ટ્રમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.