Abtak Media Google News

રશિયા યુક્રેન ઉપર મોટાપાયે હુમલાઓ કરવાની તૈયારીમાં લાગ્યું હોવાની યુક્રેન રાષ્ટ્રપતિ કાર્યાલયએ વ્યકત કરી આશંકા

પુતીન ઉપર ડ્રોન હુમલાના દાવાને લઈ રશિયા-યુક્રેન યુદ્ધ ભયાનક વળાંક લેશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. રશિયા યુક્રેન ઉપર મોટાપાયે હુમલાઓ કરવાની તૈયારીમાં લાગ્યું હોવાની યુક્રેન રાષ્ટ્રપતિ કાર્યાલયએ આશંકા પણ વ્યકત કરી છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ક્રેમલિન નિવાસસ્થાન પર રાતોરાત ડ્રોન હુમલા પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના કાર્યાલયે કહ્યું કે રશિયા મોટા પાયે આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. એક ટ્વિટમાં, યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયના વડા, વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર, મિખાઈલો પોડોલીકે કહ્યું કે ક્રેમલિન પર ડ્રોન હુમલા યુક્રેન દ્વારા થયા નથી.

રશિયાએ બુધવારે યુક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનની હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો.  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાતોરાત થયેલા ડ્રોન હુમલામાં ઈજા થઈ ન હતી, જે અંગે રાષ્ટ્રપતિની પ્રેસ સર્વિસે બુધવારે જાહેરાત કરી હતી.  યુક્રેને આવું કશું જ કર્યાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે મોસ્કો યુદ્ધના મોરચે વધુ આકરી કાર્યવાહી કરવા માટે આ પ્રકારની સ્થિતિનું સર્જન કરી રહ્યું છે. આ હુમલો થયો ત્યારે પુતિન ક્રેમલિનમાં ન હતા, તેઓ મોસ્કોની બહારના નોવો-ઓગારવોયો રેસિડેન્સ ખાતે હતા.

ક્રેમલિન પર હુમલાની કોઈપણ સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવો પણ નથી.આ ઘટના બન્યા પછી તેને જાહેર કરવામાં બાર કલાક કેમ લાગ્યા તે અંગે પણ કોઈ અધિકારીએ કશું કહ્યું નથી.

અમેરિકા આ ઉપરાંત યુક્રેનને મદદ કરવા 30 કરોડ ડોલરનો શસ્ત્ર પુરવઠો મોકલવાનું છે. તેમા આર્ટિલરી રાઉન્ડ્સ, હોવિત્ઝર્સ, એર-ટુ-ગ્રાઉન્ડ રોકેટ્સ અને દારુગોળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેન્કને ભેદતા હાઇડ્રો રોકેટ્સ પણ પૂરા પાડવાનું છે.

યુક્રેનના પ્રેસિડેન્સિયલ એડવાઇઝર પોડોલ્યાકે કોઈપણ પ્રકારની સંડોવણીનો ઇન્કાર કર્યો છે. તેણે કહ્યું હતું કે યુક્રેનનો ક્રેમલિન પર થયેલા ડ્રોન હુમલા સાથે ન્હાવા નીચોવવાનો પણ સંબંધ નથી. તેણે કહ્યું હતું કે રશિયા યુક્રેનના શહેરો પરના મિસાઇલના હુમલા, નાગરિકો પર હુમલા, ઇન્ફ્રાસ્ટ્રકચર પર આગામી દિવસોમાં હુમલા કરીને તેને ન્યાયી ઠેરવવા અત્યારથી જ પૂર્વતૈયારી કરી રહ્યું છે. તેમના દ્વારા આ કથિત હુમલાનો સીધો અર્થ એમ થાય કે રશિયાની ક્રેમલિન તરફી પર્સનાલિટીઓ યુક્રેનમાં હવે સીનિયર લીડરશિપ પર હુમલા કરશે.

યુક્રેન-રશિયા વચ્ચેના 14 મહિનાના સંઘર્ષમાં આ ડ્રોન હુમલો સ્થિતિને વધુ વણસાવે તેમ મનાય છે. ક્રેમલિને જણાવ્યું હતું કે ડ્રોનનો હુમલો થાય તે પહેલા રશિયાના લશ્કરી અને સુરક્ષા દળોએ ત પહેલા તેને હવામાં જ તોડી પાડયા હતા. તેમા કોઈને ઇજા થઈ નથી.

હાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પાંચ નોર્ડિક દેશોના નેતાઓની હેલસિન્કી ખાતે યોજાનારી બેઠકમાં અઘોષિત મુલાકાત લઈ શકે છે. તે રશિયાના લશ્કરી દળોને યુક્રેનમાંથી દૂર કરવા માટે વધુને વધુ શસ્ત્ર પુરવઠો આ દેશોમાંથી મેળવવાનું સુનિશ્ચિત કરી શકે છે.

રશિયાએ ડ્રોન હુમલાનો દાવો કર્યો તે પહેલા ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન ટૂંક સમયમાં વળતો પ્રહાર કરે તેવી સંભાવના છે. આ વર્ષ વિજય માટે ખૂબ જ નિર્ણાયક હશે, એમ તેમણે જણાવ્યું હતું. ક્રેમલિનની વેબસાઇટે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ મોસ્કોના રસ્તા પર પડયો હતો. મોસ્કોની ન્યુઝ ટેલિગ્રામ ચેનલે તેનો વિડીયો પણ પબ્લિશ કર્યો હતો. તેમા બિલ્ડિંગ પર ધુમાડો ઉડતો દેખાય છે. જો કે તેની ખરાઈ કરી શકાઈ નથી અને તે કરવી અઘરી છે.

વિડીયો મુજબ મોડી રાતના અઢી વાગ્યાનો સમય દર્શાવવામાં આવ્યો છે. ક્રેમલિનનો દાવો છે કે આ હુમલો રશિયાના વિક્ટરી ડેને ખોરવવા માટે કરવામાં આવ્યો હતો. રશિયા દર વર્ષે નવમી મેએ લાલચોકમાં વિજય દિવસ મનાવે છે. આ દિવસે તેણે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું. આ દિવસે વિદેશી પ્રતિષ્ઠિતો પણ ભાગ લે તેમ મનાય છે.

પેસ્કોવે જણાવ્યું હતું કે આ પરેડ રાબેતા મુજબ યોજાશે. ડ્રોન હુમલો થયો તે પહેલા મોસ્કોના મેયરે રશિયાની રાજધાનીમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. રશિયાના સત્તાવાળાઓ સિવાય કોઈ ડ્રોનનો ઉપયોગ કરી શકે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.