Abtak Media Google News

રેલવે 6.84 કરોડ ચૂકવવા કોર્પોરેશનને લખ્યો પત્ર: આગામી બે મહિનામાં બ્રિજનું કામ શરૂ થઇ જાય તેવી સંભાવના

શહેરના જામનગર રોડ પર આવેલો વર્ષો જુનું સાંઢીયા પુલની આયુષ્ય પૂર્ણ થઇ ગઇ હોય કોર્પોરેશન અહિં 60 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રેલવે વિભાગ દ્વારા બે વખત કોર્પોરેશનને મોકલેલી બ્રિજની ડિઝાઇન ફેરવવાની સૂચના આપી હતી. બે વાર ડિઝાઇન ફેરવ્યા બાદ અંતે ગઇકાલે રેલવે વિભાગ દ્વારા બ્રિજની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે. રેલવે વિભાગને રૂ.6.84 કરોડ ચૂકવવા માટે કોર્પોરેશનને લેટર લખવામાં આવ્યો છે. જે રકમ ભરપાઇ કર્યા બાદ ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે. હાલ સાંઢીયા પુલ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું હોવાના કારણે અહિં વાહન વ્યવહાર અટકાવી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના કારણે ઘણા સમયથી સાંઢીયા પુલ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા અહિં 60 કરોડના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની ડિઝાઇન રેલવે વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સાથોસાથ રેલવેના પોર્શનમાં જે કામ આવે છે. તેના પૈસા રેલવે વિભાગ દ્વારા ચૂકવવામાં આવે તેવી પણ માંગણી કરાઇ હતી. દરમિયાન રેલવે વિભાગે પૈસા ચૂકવવાના બદલે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યો હતો.

જેમાં લંબાઇ ઘટાડવા અને ઉંચાઇ ઓછી કરવા તાકીદ કરવામાં આવી હતી. જેથી બ્રિજનું કોષ્ટીંગ આપોઆપ ઓછી થઇ જાય રેલવેએ સૂચવેલા અભિપ્રાય મુજબ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે ગત મહિને રજૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તાજેતરમાં ફરી આ ડિઝાઇન રજૂ કરવામાં આવતા રેલવે ગઇકાલે નવી ડિઝાઇનને બહાલી આપી દીધી છે. બ્રિજનું શરૂ થાય તે પૂર્વે રેલવે વિભાગને કોર્પોરેશને જે રૂ.6.84 કરોડ ભરપાઇ કરવાના થાય છે તે ભરવા પણ લેટર લખી દીધો છે.

આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગને આ રકમ ભરપાઇ કરી દેવામાં આવશે. ત્યારબાદ ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા બાદ અંદાજે બે થી ત્રણ મહિનામાં બ્રિજનું કામ શરૂ થઇ જશે. જો કે, નવા બ્રિજનું કામ પુરું થતા આશરે બે વર્ષથી પણ વધુનો સમય નીકળી જશે. સાંઢીયા પુલ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવાના કારણે એસ.ટી. બસ પણ રાજકોટ શહેરમાંથી પસાર થાય છે.

જેના કારણે યાજ્ઞિક રોડ, રૈયા રોડ, રેસકોર્સ રિંગ રોડ સહિતના રોડ પર દિવસ દરમિયાન સતત ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.