Abtak Media Google News

જી.એસ.એફ.એ.ની 45મી વાર્ષિક સાધારણ સભામાં 33 જિલ્લા ફૂટબોલ એસો.ના પ્રતિનિધિઓ રહ્યા હાજર

2023: 20 વર્ષ પછી ફૂટબોલ સમાજમાં ગેમચેન્જર બની રહેશે અને ભારતમાં ક્રિકેટને સમાન બની જશે, એમ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. તેઓ આજે અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની 45મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)ને સંબોધન કરી રહ્યા હતા. પરિમલ નથવાણીના પ્રમુખપદ હેઠળ જી.એસ.એફ.એ.ને ગુજરાતના કોર્પોરેટ્સ તરફથી ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. ઘણાં લાંબા સમયથી ફૂટબોલ સંસ્થાને મદદ કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉપરાંત, હવે અદાણી ગ્રૂપ, ટોરેન્ટ ગ્રૂપ અને ઝાયડસ ગ્રૂપ પણ ગુજરાતમાં ફૂટબોલને સહાય કરવા માટે આગળ આવ્યાં છે. આ અંગેની જાહેરાત રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણી, જેઓ જી.એસ.એફ.એ.ના પ્રમુખ પણ છે, દ્વારા 45મી વાર્ષિક સાધારણ સભામાં આજે અમદાવાદમાં કરવામાં આવી હતી.

Advertisement

પરિમલ નથવાણીના નેતૃત્વમાં જી.એસ.એફ.એ. જમીનીસ્તરે ફૂટબોલના વિકાસ માટે નિરંતર કાર્યરત છે. જી.એસ.એફ.એ.ને ગર્વ છે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની ચૂંટણ 33 વિ. 1 મતથી જીતનારા એ.આઇ.એફ.એફ.ના પ્રમુખ કલ્યાણ ચૌબેને ગુજરાતમાંથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. ચૌબેને જી.એસ.એફ.એ.ની એક્ઝિક્યુટીવ કમિટીમાં સમાવવામાં આવ્યા છે.

વાર્ષિક સાધારણ સભાને સંબોધતા નથવાણીએ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારોને તેમના પ્રતિભાશાળી ખેલાડીઓના પ્રદર્શનનો અહેવાલ તથા ગુજરાત ફૂટબોલને આગળના તબક્કામાં લઇ જવા માટેના વિકાસ આયોજન તૈયાર કરવા માટે અપીલ કરી હતી. તમે તમારા પ્રશ્નો લઇને અમારી સમક્ષ આવો, કોઇ જ સમસ્યા નથી, પરંતુ તમારે તમારું રીપોર્ટ કાર્ડ પણ લઇને આવવું જોઇએ, અને ઉમેર્યું હતું કે તમામ જિલ્લા ફૂટબોલ એસોસિએશને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવી જોઇએ અને અમે તેમને તમામ સ્તરે મદદ કરવા તૈયાર છીએ. તેમણે જણાવ્યું હતું કે જો જિલ્લા ફૂટબોલ એસોસિએશન પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે તો  જી.એસ.એફ.એ. ગુજરાત ફૂટબોલને આઇ.પી.એલ. ક્રિકેટ જેવા સ્તરે લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. જી.એસ.એફ.એ. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.)ની તર્જ પર રાજ્ય-સ્તરે ફૂટબોલ લીગ શરૂ કરવા અંગે પણ વિચારણા કરી શકે છે.

જી.એસ.એફ.એ.એ વર્ષ 2022-23 દરમિયાન વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમકે રિલાયન્સ કપ, જી.એસ.એફ.એ. સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ, ગુજરાત સ્ટેટ વિમેન્સ લીગ, ખેલો ઇન્ડિયા સીટી લીગ અન્ડર-17, ખેલો ઇન્ડિયા સીટી લીગ અન્ડર-17 ગર્લ્સ, 31મી બલરામ ક્ષત્રિય મેમોરીયલ (અન્ડર-17) બોય્સ આઇ.ડી.એફ.ટી., જી.એસ.એફ.એ. સિનિયર વિમેન્સ આઇ.ડી.એફ.ટી ફોર લેટ ગુલાબ ચૌહાણ મેમોરીયલ ટ્રોફી, જી.એસ.એફ.એ. અન્ડર-18 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. અન્ડર-15 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. અન્ડર-13 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર મેન્સ, જી.એસ.એફ.એ. ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર મેન્સ, જી.એસ.એફ.એ. ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર વિમેન્સ. રાજ્યમાં ફૂટબોલની રમતના વિકાસ માટે જી.એસ.એફ.એ. દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યો છે.

જી.એસ.એફ.એ. દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં યુવાન પ્રતિભાઓને શોધી કાઢવા માટે ગોલ્ડન બેબી લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હવેથી બ્લૂ કબ્સના નામે ઓળખવામાં આવશે. 6થી 12 વર્ષની નાની વયે ફૂટબોલ રમતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતા બેબી લીગના વિકાસમાં દેશભરમાં અગ્રણી હોવાનું જી.એસ.એફ.એ.ને ગૌરવ છે. આ લીગનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને શોધવાનો, જમીનીસ્તરના ફૂટબોલનો વિકાસ અને રાજ્યમાં ફૂટબોલના વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે, એમ જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

વાર્ષિક સાધારણ સભામાં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખો અરુણસિંહ રાજપૂત, હનીફ જિનવાલા અને ગુણવંતભાઈ ડેલાવાલા, જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા, કોષાધ્યક્ષ મંયક બૂચ, સહિતના જી.એસ.એફ.એ.ના હોદ્દેદારો તથા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.