Abtak Media Google News

બપોરે 4 થી રાત્રે 1 વાગ્યા સુધી ભારે વાહનોને જામનગરથી પડધરી-મિતાણા થઇને રાજકોટ આવવું પડશે: અધિક કલેક્ટરનું જાહેરનામું

૭ જાન્યુઆરી ભારત-શ્રીલંકા ક્રિકેટ મેચને લઈને ટ્રાફિકમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકોટ તરફ જતા વાહનો માટે ટ્રાફિક ડાયર્વઝન રુટ જાહેર કર્યા છે. જેમાં 7મીએ બપોરે 4થી રાત્રે 1 વાગ્યા સુધીમાં ભારે વાહનોને જામનગરથી પડધરી અને ત્યાંથી મિતાણા થઈને રાજકોટ આવવા આદેશ કરાયો છે.

તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભારત તથા શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્ટેશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. મેચમાં આશરે ૩૦ હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે. આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.૦૭/૦૧/૨૦૨૩ ના ૧૬:૦૦ કલાકથી તા.૦૮/૦૧/૨૦૨૩ ના ૧:૦૦ કલાક સુધી જામનગર થી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજકોટ કે.બી.ઠક્કર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ હુકમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને અને ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.