મવડીમાં સરકારી જગ્યામાં 30 મકાનોનું દબાણ ખડકાયેલ હોય, દક્ષિણ મામલતદારની ટિમ દ્વારા આજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ આ ઓપરેશનથી રૂ.15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી સુરક્ષિત કરી દેવાય છે.પ્રાપ્ત વિગતો અનુસાર મવડી સર્વે નં.194માં પ્રગટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ જગ્યામાં 30 કાચા મકાનોનું દબાણ હતું.
2500 ચો.મી. જેટલી સરકારી જગ્યામાં ગેરકાયદે બાંધકામો ખડકાયા હતા, અંદાજે રૂ. 15 કરોડની કિંમતી જગ્યા ખુલ્લી કરાવાય
અંદાજે 2500 ચો.મી. જગ્યામાં ખડકાયેલ આ દબાણની બજાર કિંમત રૂ.15 કરોડ જેટલી થાય છે. આ મકાન ધારકોને અગાઉ દક્ષિણ મામલતદાર જે.વી. કાકડીયા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જેની મુદત પૂર્ણ થતાં આજે દક્ષિણ મામલતદાર ટિમ દ્વારા સ્થળ ઉપર જઈ પોલીસ ટીમને સાથે રાખી 30 મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
વાવડીમાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા તાલુકા મામલતદાર
10 જેટલા મકાનો તોડી પડાયા, અંદાજે 10 કરોડની જગ્યા ખુલ્લી કરાવાય
વાવડીમાં દબાણો હટાવવા તાલુકા મામલતદારની ટીમે આજે ડીમોલેશન હાથ ધર્યું હતું. જેમાં 10 મકાનોને તોડી પાડી સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં તાલુકાના વાવડી સર્વે નં.149ની સરકારી જગ્યામાં અંદાજે 10 જેટલા મકાનો ગેરકાયદે ખડકાયેલ હોય, જેઓને નોટિસ પણ તાલુકા મામલતદાર દ્વારા ફટકારવામાં આવી હતી. આ દબાણો 3000 ચો.મી. જેટલી જગ્યામાં ફેલાયેલ હતા. જેની બજાર કિંમત અંદાજે 4 કરોડ જેટલી થાય છે.
આજ રોજ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણા, સર્કલ કથિરીયા, દબાણ નાયબ મામલતદાર રઘુભા, તલાટી સાગર ચાવડા સહિતની ટીમે પોલીસની ટિમ સાથે રાખી આ દબાણો હટાવીને સરકારી જગ્યા ખુલ્લી કરાવી છે.