Abtak Media Google News

અફઘાનિસ્તાનને પાકિસ્તાન સાથે સબંધો બગડ્યા બાદ હવે તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવા મથી રહી છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં બંધ થયેલુ અફઘાની દૂતાવાસ અમે બહુ જલ્દી ફરી શરુ કરીશું. હૈદ્રાબાદ અને મુંબઈ સ્થિત અફઘાની કોન્સ્યુલેટના અધિકારીઓએ કાબુલ દ્વારા મળેલી સૂચના બાદ દિલ્હી સ્થિત દૂતાવાસની મુલાકાત પણ લીધી છે.

પાકિસ્તાન સાથે સંબંધો વણસ્યા બાદ તાલિબાન સરકારે ભારત તરફ ઝુકાવ વધાર્યો

તેઓએ કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાન પોતાના પાડોશી દેશો સાથે સારા સબંધ રાખવા માંગે છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અફઘાન રાજદૂત ફરીદ મમુંડજેના નિયંત્રણ હેઠળના અફઘાન મિશને ભારત સરકાર દ્વારા ઉભા કરાઈ રહેલા સતત પડકારોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીનુ દૂતાવાસ કાયમ માટે બંધ કરવાની જાહેરાત  કરી હતી. રાજદૂત ફરીદ મમુંડજેની નિમણૂં જે તે સમયે અશરફ ઘની સરકારે કરી હતી. જોકે તાલિબાને તેમની સરકાર ઉથલાવી નાંખી હતી. અશરફ ઘની અત્યારે દેશ બહાર છે.

આ પહેલા પણ અફઘાની દૂતાવાસે ભારત સરકાર તરફથી સહયોગ નહીં મળતો હોવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તાલિબાને મમુંડજેની જગ્યાએ અન્ય કોઈ અધિકારીની નિમણૂંક કરી છે. આ જ સંદર્ભમાં અફઘાન દૂતાવાસના ટ્રેડ કાઉન્સિલર તરીકે કામ કરતા કાદિર શાહે ભારતના વિદેશ મંત્રાલયને પત્ર લખીને દાવો કર્યો હતો કે, તાલિબાન દ્વારા મારી અફઘાન એમ્બેસીના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ દાવા બાદ અફઘાન એમ્બેસીમાં ખેંચતાણ શરૂ થઈ હતી અને બાદમાં એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.