- મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, શાસક પક્ષ નેતા, શાસક પક્ષ દંડક અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 67 પ્રજાતિઓનાં કુલ 560 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્ર્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.
હાલ ઝૂ દર શુક્રવારનાં રોજ જુદા જુદા મેઇન્ટેનન્સની કામગીરી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ રવિવારનાં દિવસે મહત્તમ મુલાકાતીઓ ઝૂ ખાતે પધારતા હોય, સોમવારના દિવસે સમગ્ર ઝૂ પરીસરમાં સાફ સફાઇની કામગીરી, વન્યપ્રાણી-પક્ષીઓનાં પાંજરાઓમાં સામાન્ય મરામતની કામગીરી, મુલાકાતીઓ માટે પીવાનાં પાણીનાં પરબની સફાઇ વિગેરે જેવી જુદી જુદી મેઇન્ટેનન્સની કામગીરી કરવાની થતી હોય છે. આ ઉપરાંત રવીવારના દિવસે મહત્તમ મુલાકાતીઓ પધારતા હોવાથી સોમવારનાં દિવસે મુલાકાતીઓની સંખ્યા ખુબ જ ઓછી નોંધાય છે.
ઉપરોક્ત વિગતે ઝૂ મેઇન્ટેનન્સની કામગીરી તથા વહીવટી સરળતા માટે ચાલુ વર્ષે માર્ચ-2024થી ઝૂ દર સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવા તથા દર શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું.