• વાત હવે સમાધાન નહીં પરંતુ ‘વટ’ પર આવી ગઇ: મૂંછે ‘તા’ દેતા ક્ષત્રિય સમાજમાં પણ બે ફાટા પડી ગયાની ચર્ચા: ભાજપ મોદી લહેરનો ફાયદો ઉઠાવી રતિભાર પણ નમતું તોળવા તૈયાર ન હોય તેવા રચાતા સમિકરણો
  • રાજકોટમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવી રાજ્યવ્યાપી બનાવવાની રણનીતિ તૈયાર: જૌહરની ચીમકી ઉચ્ચારનારી ક્ષત્રાણીઓના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
  • કોઇપણ વિવાદ ઝડપથી ઉકેલાય તે તમામ સમાજ માટે હિતકારક: રૂપાલા-ક્ષત્રિયો વચ્ચેનો વિવાદ જો ટૂંકમાં નહીં ઉકેલાય તો સ્થિતિ વધુ વણસવાની પણ ભારોભાર દહેશત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂક ચોક્કસ રાજકીય પક્ષના નેતાઓએ આ તકનો જાણે લાભ ઉઠાવવા ઇચ્છી રહ્યા હોય તેમ તલવાર અને કમળને સામ-સામા કરી દેવાની ભૂંડી ભૂમિકામાં આવી ગયા છે. વિવાદ શાંત પડવાને બદલે દિનપ્રતિદિન વધુ વકરી રહ્યો છે. હવે વાત ‘વટ’ પર જતી રહી છે. જેના કારણે ભાજપ કે ક્ષત્રિયો નમતું તોળવા તૈયાર નથી. આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવી રાજ્યવ્યાપી બનાવવાની રણનીતી તૈયાર કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ પણ મોદી લહેરનો લાભ ઉઠાવી ઉમેદવાર બદલવાની પેરવીમાં નથી. ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તેવા સમિકરણો જોવા મળી રહ્યા છે. કોઇપણ વિવાદ જેટલો ઝડપથી ઉકેલાય જાય એટલુ સમાજ માટે હિતકારક રહે છે. જો રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેનો વિવાદ કલાકોમાં નહીં ઉકેલાય તો સ્થિતિ વધુ વળશે તેવી ભીતી પણ રહેલી છે.

રાજા-રજવાડા અંગે ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ એક માંગ પર અડગ છે કે ભાજપ દ્વારા પરષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ્ કરવામાં આવે. બીજી તરફ આવું પગલું ન લેવું પડે તે માટે ભાજપ મોવડી મંડળે એંડીચોંટીનું જોર લગાવી દીધું છે. ખૂદ રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ક્ષત્રિયોને ખમૈયા કરવા વિનંતી કરી હતી છતાં મામલો શાંત પડવાનું નામ લેતો નથી. આ મુદ્ે ગઇકાલે ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓએ એક વિડિયો વાયરલ કર્યો હતો જેમાં ભાજપ કાર્યાલય સામે ‘જૌહર’ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જૌહર પૂર્વે કરાતી મહેંદી રસમ ગઇકાલે જ પૂરી કરી દેવામાં આવી હતી. જો કે, આવું ન થાય તે માટે પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાંચેય મહિલાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.

એક ચોક્કસ રાજકીય પક્ષ ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા ઘર્ષણને શાંત પાડવા દેતો ન હોવાની અને વિવાદને વધુમાં વધુ બળ દેતો હોવાની પણ શંકા સેવાઇ રહી છે. ક્ષત્રિયોનું જૌહર હાલ ભાજપ માટે એક મોટો પડકાર બની ગયો છે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ બે ભાગોમાં વહેંચાઇ ગયું છે. જેમાં એક ભાજપમાં રહેલા ક્ષત્રિયો જ્યારે બીજું જૂથ સમાજની અસ્મિતાને બચાવતું જૂથ છે. ભાજપમાં અલગ-અલગ હોદ્ાઓ પર રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની સ્થિતિ હાલ ‘ન કહેવાય ન સહેવાય’ જેવી બની ગઇ છે. જો પક્ષ વિરોધી નિવેદન આપે તો પક્ષમાં સાઇડ લાઇન થઇ જવાની ભીતી રહેલી છે અને સમાજ વિરોધી નિવેદન આપે તો સમાજમાંથી નામુ નીકળી જાય તેવી દહેશત સતાવી રહી છે. ગુજરાત ભાજપ માટે હમેંશા અડીખમ ગઢ અને રાજકીય પ્રયોગશાળા રહ્યું છે. ‘અબ કી બાર 400 પાર’નો નારો લઇ નીકળેલો ભાજપ ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટમાં ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યો છે.

ક્ષત્રિય સમાજના આગેવાનો વારંવાર એવું કહી રહ્યા છે કે અમને કોઇ જ સમાજ કે પક્ષ સાથે વાંધો નથી. પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સામા પક્ષે ભાજપ એવું કહી રહ્યું છે કે રૂપાલાએ પોતાની ભૂલ અંગે બે વાર માફી માંગી લીધી છે. હવે તેઓને માફ કરી દેવા જોઇએ. બંને પક્ષના નિવેદનો પરથી એકવાત સ્પષ્ટ થાય છે કે હવે વાત ‘વટ’ પર આવી ગઇ છે. હવે રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ રહ્યો નથી પરંતુ ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ ઉભો થઇ ગયો હોય તેવો માહોલ છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોવા મળી રહ્યો છે. ગઇકાલે એક કાર્યક્રમમાં જે રિતે પરષોત્તમભાઇએ નિવેદન આપ્યું હતું કે હું બે-ત્રણ દિવસમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ. તેઓના આ નિવેદન પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપે તેઓને ટિકિટ રદ્ કોઇ કાળે નહીં જ કરાય તેવું અભય વચન આપી દીધું છે. બીજી તરફ આજે સવારે રાજકોટ ખાતે રાજ્યભરના ક્ષત્રિય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટેની રણનીતી ઘડી કાઢવામાં આવી હતી. કરણીસેના, ક્ષત્રિય સમાજ અને ભાજપ હવે રિતસર પ્રતિષ્ઠાના જંગ માટે સામ-સામે આવી ગયા છે.

કોઇપણ વિવાદ જો સમય રહેતા સુલટાય જાય તો દરેક સમાજ માટે તે હિતકારી રહે છે. પરંતુ ગુજરાતમાં જે રિતે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ દિનપ્રતિદિન વણસી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રાજકીય માહોલ વધુ બગડશે.

મૂંછે લટકતા લીંબુ કોણ ત્યાગશે?

ક્ષત્રિય સમાજ છેલ્લા એક પખવાડીયાથી પરષોત્તમભાઇ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગણી પર અડગ છે. બીજી તરફ ભાજપના નેતાઓ એવું કહી રહ્યા છે કે હવે ગુજરાતમાં એકપણ બેઠક માટે ઉમેદવાર બદલવામાં આવશે નહીં. ક્ષત્રિય સમાજની મૂંછે વટના લીંબુ લટકી રહ્યા છે. જ્યારે ભાજપની મૂંછે મોદીની લોકપ્રિયતાના લીંબુ લટકી રહ્યા છે. એકપણ પક્ષ વટ છોડવા તૈયાર નથી. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં ભાજપ મૂંછે લટકતા લીંબુનો ત્યાગ કરશે કે ક્ષત્રિય સમાજ વટ છોડી દેશે. રૂપાલાની ટિકિટ રદ્ કરવા સામે ભાજપને કોઇ મોટી મુશ્કેલી પડે તેમ નથી. પરંતુ રાજ્યની અન્ય બેઠકો પર જ્યાં વિવાદ ચાલી રહ્યો છે ત્યાં આવું ન થાય તે માટે ટિકિટ રદ્ કરવાનો વિચાર પણ મોભીઓને હચમચાવી દે છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કર્યા પહેલા એવું લાગતું હતું કે ભાજપ જે 26 ઉમેદવારો જાહેર કરશે તે જ સાંસદ હશે તેમાં કોઇ બેમત નહીં રહે. પરંતુ જે રિતે ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચે વિવાદનું વાવેતર બાદ સ્વરૂપ વધુ ઉગ્ર બનતા હવે સ્થિતિ વધુ તરલ બની છે. જો ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાઇ તો ગુજરાતમાં સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવા માટે ભાજપે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવી પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.