Abtak Media Google News

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન માટે ઈલેકટોરલ બોન્ડની જાહેરાત કરી હતી.

જેટલીએ જણાવ્યું હતુ કે આ બોન્ડ SBIની અમુક ચોક્કસ શાખાઓમાંથી જ ખરીદી શકાશે, જે અંગે સરકારે આજે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સરકારે આજે જાહેર કરેલા સર્કયુલર મુજબ ભારતભરમાં SBIની 24,000થી વધુ બ્રાંચમાંથી માત્ર 53 બ્રાંચમાં જ આ બોન્ડ મળી શકશે.

આ બોન્ડ ખરીદવા માટે ચેક, ડિમાન્ડ ડ્રાફટ અને ઈલેકટ્રોનિક ટ્રાન્સફરનો જ ઉપયોગ થઈ શકશે. ભારતના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના પાટનગરમાં SBIની એક બ્રાંચ નક્કી કરવામાં આવી છે. આ સિવાય આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં બે બ્રાંચમાં આ સેવા મળશે.

ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વધારાની ત્રણ અને મહારાષ્ટ્ર-તેલાંગણામાં વધારાની બે શાખાઓ ફાળવાઈ છે. 1લી એપ્રિલ, 2017ના ડેટા મુજબ ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) પાસે કુલ 24,017 બ્રાંચ છે. અગાઉ બહાર પાડેલ જાણકારી મુજબ આ બોન્ડ ખરીદનાર વ્યકતિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

કોઈપણ કારણસર કોઈપણ સંસ્થાને આ માહિતી નહિ આપી શકાય. કોર્ટની અવમાનના અથવા કાયદાકીય સંસ્થા દ્વારા ક્રિમિનલ કેસના રજિસ્ટ્રેશનની કોપી આપવામાં આવશે તો જ માહિતી સાર્વજનિક કરી શકાશે. બેંક ખાતા અથવા અકાઉન્ટમાંથી ઈલેકટ્રોનિક રૂટ પર ખરીદવામાં આવેલ બોન્ડ જો KYC નહિ થયું હોય તો રદ થઈ શકે છે.

KYC ડોક્યુમેન્ટ થયેલ હોય તો પણ બોન્ડ પર ખરીદનારનું નામ નહિ જ દર્શાવાય. રસપ્રદ વાત એ છે કે રાજકીય પાર્ટીઓને ચંદા હેઠળ મળેલ બોન્ડ 15 દિવસમાં તેમના SBI ખાતામાં જમા કરાવીને રોકડ ઉપાડવી પડશે. જોકે નિર્ધારિત સમયમાં આ બોન્ડનું રોકડમાં રૂપાંતરણ નહિ કરાય તો તે રકમ વડાપ્રધાન રાહત કોષમાં જમા થઈ જશે. રૂ.1000ના 10ના ગુણાંકમાં જ બોન્ડની ખરીદી થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.