Abtak Media Google News

કાળાબજારીયા વેપારીઓને ૩૦ લાખી વધુનો ફટકો: પુરવઠા તંત્ર દ્વારા ગેસ-કેરોસીનનો બેવડો લાભ લેતા ૧૮૦૦૦ રેશનકાર્ડમાં સ્ટેમ્પીંગ કર્યું

રાજકોટ શહેર-જિલ્લામાં ગેસ કેરોસીનનો બેવડો લાભ લેતા ૧૮૦૦૦ પરિવારોના રેશનકાર્ડમાં એક જ મહિનામાં સ્ટેમ્પીંગ કરી પુરવઠા વિભાગે ૧૦૦ કેએલ કેરોસીન બચાવી સરકારની તિજોરીને ૨૪ લાખ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. તો સામાપક્ષે આવું કેરોસીન કાળા બજારમાં વેંચી મારતા વેપારીઓને ૩૦ લાખી વધુનો ફટકો પડયો છે.

જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા પુરવઠા-તંત્ર દ્વારા ગેસ અને કેરોસીનની સબસીડીનો બેવડો લાભ લેતા પરિવારોને ઓળખી કાઢવા હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ઓઈલ કંપનીઓના ગ્રાહકોનું મેચીંગ કરી ૧૮૦૦૦ જેટલા રેશનકાર્ડમાં કેરોસીન આપવાનું બંધ કરતા ગત માસે સરકારનું ૧૦૦ કેએલ કેરોસીન એટલે કે ૧ લાખ લીટર જેટલું કેરોસીન બચતા પ્રવર્તમાન બજાર ભાવ મુજબ પ્રતિ લીટર ૨૪ના ભાવ લેખે સરકારને ૨૪ લાખનું સબસીડાઈઝ કેરોસીન બચ્યું છે.

બીજી તરફ મોટાભાગના ગેસ કનેકશન ધરાવતા ગ્રાહકો કેરોસીન લેતા ન હોય. આ કેરોસીનનો જથ્થો સસ્તા અનાજના દુકાનદારો કાળા બજારમાં રૂ.૬૦ સુધીના ભાવે પ્રતિ લીટર વેંચતા હોય છે અને આ એક જ ઝટપે ૧૦૦ કેએલ એટલે કે, ૧ લાખ લીટર કેરોસીન બચતા સસ્તા અનાજના દુકાનદારોને કાળી કમાણીના ૩૦ લાખ રૂપિયા ગુમાવવા પડયા છે.

ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસોમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ ડોર ચેકિંગ કરી પીએનજી કનેકશન ધરાવતા ગ્રાહકોને ઓળખી કાઢી તેમના રેશનકાર્ડમાં પણ સ્ટેમ્પીંગની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.