Abtak Media Google News

ચાલુ વર્ષે ઉનાળો ગરમીના તમામ જૂના રેકોર્ડ તોડે તેવી પ્રબળ સંભાવના: ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણના રોદ્ર રૂપથી લોકો ત્રાહીમામ્

ચાલુ સાલ ઉનાળાની સિઝન ગરમીના પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. હજી તો ઉનાળાનો આરંભ જ થયો છે ત્યાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રીએ આંબી ગયો છે. હજી પાંચેક દિવસ હીટવેવની શક્યતા હોય આગામી દિવસોમાં આકાશમાંથી અગ્નિ વર્ષા થવાની પ્રબળ સંભાવના છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જશે.

ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણનું રોદ્ર ‚પ જોવા મળતા આ વર્ષે લોકોએ કાતિલ ગરમીનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. ગઇકાલે રાજકોટનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દરમિયાન આજે સવારે વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી હતી.

ફાગણ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે ઉનાળો વધુ આકરો બનતો જાય છે. મંગળવારે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૩૯.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટ, વિદ્યાનગરમાં ૩૯ ડિગ્રી તેમ જ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભુજમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીને વટાવી ગયો હતો.

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. કુદરતે જાણે હીટર ચાલુ કરી દીધા હોય તેમ અચાનક જ ગરમીનો પારો ઊંચકાયો છે. બપોરે એકદમ ગરમી પડતા લોકો અત્યારથી જ બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં સર્જાયેલ એન્ટી સાયક્લોન સર્ક્યુલેશનના લીધે પવનની દિશા બદલાશે. સૂકા ભેજવિહીન પવનથી ગરમીનું પ્રમાણ વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ત્રણ ડિગ્રી ઊંચકાશે તેવી શકયતા છે.

શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન બાદ વાતાવરણમાં પલટો આવતા મિશ્રિત વાતાવરણનો અનુભવ થતો હતો પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. રાતના સમયે પણ હવામાનમાં ભેજનું પ્રમાણ વધવાને લીધે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે અને ચૈત્ર મહિનાના પ્રારંભથી જ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. આ વર્ષે રેકર્ડબ્રેક ગરમી નોંધાશે એવું હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૮.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૦.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અન્ય શહેરોનું મહત્તમ તાપમાન જોઈએ તો ડીસામાં ૩૭.૯, ગાંધીનગર-૩૮.૫, વિદ્યાનગર-૩૯, વડોદરા-૩૭.૮ ડિગ્રી, સુરતમાં ૩૮.૪ ડિગ્રી વલસાડમાં ૩૪.૪ ડિગ્રી, ભાવનગરમાં ૩૭.૪ ડિગ્રી, દ્વારકામાં ૨૮.૬ ડિગ્રી, પોરબંદરમાં ૩૬.૨ ડિગ્રી, રાજકોટમાં ૩૯ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૯.૩ ડિગ્રી, ભુજમાં ૩૮.૪ ડિગ્રી અને કંડલામાં ૩૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બીજી બાજુ મિશ્ર ઋતુનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આજે વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. પરોઢિયે ઠંડીનું જોર રહેતું હોવાથી ધુમ્મસ પડયું હોવાનું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના અમુક શહેરોમાં તો ઝાકળવર્ષા થઈ હતી અને રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. માર્ચના અંત સુધીમાં પારો ૪૦ ડિગ્રીને પાર કરે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.