ક્રેડિટ કાર્ડ મેળવવા આપેલા ડોક્યુમેન્ટના આધારે બારોબાર લોન ઉપાડી: રિકવરી માટે ઉઘરાણી થતા કૌભાંડનો ભાંડો ફુટયો ભેજાબાજ ગેંગે શાકભાજી અને પાપડ વણતી મહિલાઓના નામે મોબાઇલની રૂ.૭૦ હજારની લોન કરી ચાઉ કરી ગયા

શહેરમાં કેપીટલ ફર્સ્ટ ફાયનાન્સના મેનેજર સહિતના ૧૨ શખ્સોએ ક્રેડિટ કાર્ડ માટે એકઠા કરેલા આઇડી પ્રફુ સહિતના ડોકયુમેન્ટના આધારે મોબાઇલ ખરીદીની બારોબાર લોન કરી લાખોનું કૌભાંડ આચર્યાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યા અંગેનો ૧૨ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી નજીક શિતલ પાર્કમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી તુલેશભાઇ મુકુંદરાય જાનીએ બીગ બજાર સામે ઇમ્પિરીયલ હાઇર્સ્ટના છઠ્ઠા માળે આવેલી કેપીટલ ફર્સ્ટ ફાયનાન્સના મેનેજર સરફરાજ હાજી હેરંજા, તેના કર્મચારી રાજેશ ડાંગર, નિખીલ કુબાવત, મનિષ વ્યાસ, રવિરાજસિંહ ઉર્ફે રવિ રાણા, મિત તન્ના, કિશન કતિરા, હાર્દિક જાડેજા, વસીમ દલવાણી, અર્જુન આહિર, હરકિશન અને મોન્ટુ નામના શખ્સો સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તુલેશભાઇ જાની પોતાને આઇસીઆઇસીઆઇ બેન્કનું ક્રેડિટ કાર્ડ મેળવવું હોવાતી પોતાના મિત્ર કમલેશભાઇનો સંપર્ક કરાવતા તેઓએ મનિષ વ્યાસનો કોન્ટેકટ કરાવ્યો હતો. મનિષ વ્યાસે તુલેશભાઇ જાની અને તેના સાત જેટલા મિત્રોના જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી મેળવી હતી. બંને ડોકયુમેન્ટ સ્કેન કરી તેમાં ચેડા કરી જન્મ તારીખ ફેરવી અને આધાર કાર્ડમાં ફોટો બદલી નાખ્યા હતા. બોગસ દસ્તાવેજ તૈયાર કર્યા બાદ કેપીટલ ફર્સ્ટ ફાયનાન્સમાંથી મોબાઇલ માટે બારોબાર લોન મેળવી લીધી હતી.

તુલેશભાઇ જાનીના નામે મોબાઇલની લોન થઇ હતી પણ તેઓને લોન અંગે કંઇ જાણ જ ન હતી અને લોનની રિકવીર માટે કેપીટલ ફસ્ટ ફાયનાન્સના માણસો ઘરે જઇ ઉઘરાણી કરી ત્યારે તેઓને પોતાના નામે રૂ.૭૦ હજારની લોન થયાની જાણ થઇ હતી.

તુલેશભાઇ જાનીની જેમ હેમાન્શુભાઇ વ્યાસ, બન્ટીભાઇ સહિત ૮૫ વ્યક્તિના નામે બારોબાર લોન થયાનું બહાર આવ્યું હતું. લોન લીધી ન હોવા છતાં લોન બાકી બોલતી હોવાથી તમામ વ્યક્તિઓ બીગ બજાર પાસે ઇમ્પિરીયલ હાઇસ્ટ ખાતેની કેપીટલ ફસ્ટ ફાયનાન્સની ઓફિસે દોડી ગયા હતા ત્યારે પોતાના આધાર કાર્ડમાં પોતાનો નહી પણ અન્ય વ્યક્તિનો ફોટ લગાવીને લોન કરવામાં આવ્યાનું સામે આવ્યું હતું.

રવિરાજસિંહ રાણા અને નિખીલ કુબાવત નામના શખ્સો ડોકયુમેન્ટ એકઠાં કર્યા બાદ ગત નવેમ્બર-ડિસેમ્બરથી મોબાઇલ પર બારોબાર લોન કરાવી લેતા હોવાનું બહાર આવ્યું છે. કેટલીક પાપડ વણતી મહિલાઓ અને શાકભાજીની રેકડીની ફેરી કરતી વ્યક્તિઓના નામે રૂ.૭૦ થી ૮૦ હજારની કિંમતનો મોબાઇલ ખરીદી માટે લોન કરી બારોબાર નાણા વાપરી નાખ્યાનું બહાર આવતા માલવીયાનગર પોલીસે કેપીટલ ફર્સ્ટ ફાયનાન્સના મેનેજર અને તેની સાથે સંડોવાયેલા ૧૨ શખ્સો સામે બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યા અંગેનો ગુનો નોંધી પી.આઇ. એન.એન. ચુડાસમા  સહિતના સ્ટાફે સરફરાજ હાજી હેરંજા, નિખીલ કુબાવત અને રાજેસ ડાંગર નામના શખ્સોની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.