ધંધાકીય સંબંધે ૨૩૮ ગ્રામ સોનુ અને રૂ.૬૫ હજાર રોકડા આપ્યા બાદ પરત ન આપ્યા
શહેરના વૈશાલીનગરમાં રહેતા અને પેલેસ રોડ પર સોનાનો શો રૂમ ધરાવતા વેપારી સાથે ધંધાકીય સંબંધ ધરાવતા સોની શખ્સને ૨૩૮ ગ્રામ સોનું અને ૬૫ હજાર રોકડા આપ્યા બાદ પરત ન આપી ઠગાઇ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વૈશાલીનગરમાં રહેતા નિલેશ જયંતીભાઇ લુંભાણીએ મીલપરામાં રહેતા ભાવિન ભરત પારેખ સામે રૂ.૮.૧૫ લાખની છેતરપિંડીની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
નિલેશ લુંભાણી પેલેસ રોડ પર સોનાના ઘરેણાનું કામ કરતો હોવાથી ભાવિન પારેખના પરિચયમાં આવ્યો હતો અને નિલેશ લુંભાણી પાસે કામ ઓછુ હોવાથી ભાવિન પારેખને વાત કરતા તેની પાસે કામ હોવાથી સોનું આપવાનું કહી ભાગીદારીમાં કામ કરવાનું કહેતા ભાવિન પારેખને રૂ.૭.૫૦ લાખનુ ૨૩૮ ગ્રામ સોનું અને રૂ.૬૫ હજાર રોકડા આપ્યા હતા.
નિલેશ લુંભાણીએ ઉઘરાણી કરતા ભાવિન પારેખે સોનું અને રોકડા પરત ન આપી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભાવિન પારેખ એમસીએકસના સટ્ટામાં ફસાયો હોવાનો નિલેશ લુંભાણીએ આક્ષેપ કર્યો હતો.