Abtak Media Google News

દર વર્ષે રૂ. ૧૦ લાખની બચત થશે: માન. મેયરશ્રી, ડે.મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ સાઈટ વિઝિટ કરી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ સાઈટ ખાતે સ્થિત આજી ફિલ્ટર પ્લાન્ટની વિશાળ જગ્યામાં ૧૪૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટના ફળ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકા વિજળી ખર્ચમાં દર વર્ષે રૂ. ૧૦ લાખ જેવી માતબર રકમની બચત કરી શકશે. આજે માન. મેયર શ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ સ્થળની મુલાકાત લઇ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી.

Advertisement

મેયર શ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન” દ્વારા ફંડેડ ” કેપેસીટીઝ ” પ્રોજેક્ટ અંતર્ગત “ઇક્લી”(સાઉથ એશિયા)ના સહકાર સાથે ૧૪૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપવામાં આવી રહી છે. રાજકોટ શહેર માટે ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી તથા એનર્જી બેઝલાઈન પ્રોફાઈલ બનાવાયેલ છે તેના આધારે ક્રિટીકલ સેક્ટરની ઓળખ સુનિશ્ચિત કરી શહેર માટે ક્લાઈમેટ રેઝીલીયંટ સિટી એક્શન પ્લાન પણ બનાવવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા કુલ વિજળીના વપરાશમાં વોટર સપ્લાય સેક્ટરમાં ૬૧ ટકા જેટલો વિજળીનો વપરાશ થાય અને છે અને આ ખર્ચમાં શક્ય તેટલી બચત કરવામાં આ પ્રોજેક્ટ ખુબ જ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આજી ફિલ્ટર પ્લાન્ટની વિશાળ જગ્યામાં ૧૪૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપવામાં આવી રહી છે જેનો કુલ ખર્ચ રૂ. ૮૩,૫૬,૨૦૫ છે જેમાં, ૭૦ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માટે કુલ રૂ. ૪૦,૩૪,૦૩૦ નું ભંડોળ “કેપેસિટીઝ” પ્રોજેક્ટ અંતર્ગત મળી રહેલ છે તથા બાકીના ૭૫ કિલોવોટ ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ માટે કુલ રૂ.૪૩,૨૨,૧૭૫ નો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ સોલાર પ્લાન્ટ સ્થપાતા વાર્ષિક ૨,૧૧,૦૦૦ યુનિટ વિજળી ઉત્પન્ન થશે અને વિજળી ખર્ચમાં વાર્ષિક રૂ.૧૦ લાખની બચત થઇ શકશે. ઉપરાંત કુલ ૧૬૫ ટન કાર્બન જેટલું ઉત્સર્જન ઘટશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વિજળી વપરાશ થાય છે તેમાં વોટર સપ્લાય સેક્ટરમાં સૌથી વધુ વપરાશ રહે છે જ્યારે સ્ટ્રીટ લાઈટમાં ૨૪ ટકા, વેસ્ટ વોટરમાં ૧૦ ટકા તથા બિલ્ડીંગ સેક્ટરમાં ૫ ટકા વિજળી વપરાય છે.ગત સાલ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની તમામ સરિત લાઈટ એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરતા ૫૦ ટકા જેટલી એનર્જી બચત કરી શકાય છે.

આજે આજી ફિલ્ટર પ્લાન્ટની સાઈટ વિઝિટ દરમ્યાન મેયર શ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની ઉપરાંત રોશની વિભાગના ઈન્ચાર્જ સિટી એન્જીનીયર શ્રી જે.એ.ઝાલા, ડેપ્યુટી એન્જીનીયર શ્રી પી.સી.દેથરીયા, વોટર વર્કસ શાખાના ડેપ્યુટી એન્જીનીયર શ્રી કે.પી.દેથરીયા, તેમજ એડી. આસી. એન્જી. શ્રી રાણપરીયા, શ્રી એચ.પી.પરમાર, શ્રી બી.પી.મેહતા, “ઇક્લી”ના શ્રી અંકિત મકવાણા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.