Abtak Media Google News

બસપોર્ટ માટે કલેકટર તંત્ર દ્વારા 5 હજાર ચો.મી. જમીનનું સંપાદન કરાયું

અબતક,રાજકોટ : રાજકોટની ભાગોળે આકાર લઈ રહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બસપોર્ટ પણ બનાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 5 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન પણ કરવામાં આવ્યું છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.૧૪૦૦ કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ જો બધું ઠીકઠાક ચાલતું રહ્યું તો માર્ચ-ર૦ર૩ સુધીમાં પુર્ણ થઈ જવાનું અનુમાન છે, અને આ એરપોર્ટ બની જાય પછી રાજકોટ-સૌરાષ્ટ્રના પેસેન્જરોને મુંબઈ-દિલ્હી-ચેન્નઈ કે અમદાવાદ પણ ગયા સિવાય સીધા રાજકોટથી જ કનેકટીંગ ઈન્ટર નેશનલ ફલાઈટસ ઉપલબ્ધ બની શકે છે.

આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનુ છે, અહીં  ‘ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં ૧ર એરક્રાફટ લેન્ડ કરાવી શકાશે. એરપોર્ટમાં એક સાથે ૧૪ વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે ૧૮૦૦ મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું ગંજાવર ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.

આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે એરપોર્ટ ઉપર આવનાર મુસાફરોને સરળતા રહે તે માટે એરપોર્ટ પાસે બસ પોર્ટ બનાવવાનું આયોજન છે. જેથી રાજકોટ શહેર સુધીનું પરિવહન સરળતાથી થઇ શકે. તંત્ર દ્વારા હાલ 5 હજાર ચોરસ મિટર જમીનનું સંપાદન કરી દેવામાં આવ્યું છે. આ જગ્યાએ બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત બાજુમાં લોજીસ્ટિક પાર્ક બનાવવા માટે પણ જમીન ફાળવવામાં આવી છે. એરપોર્ટ માટે કુલ 700 એકર જેટલી જમીન રિઝર્વ રાખવામાં આવી છે.

માર્ચમાં એરપોર્ટ તૈયાર કરી ઓથોરીટીને સોંપી દેવાનો લક્ષ્યાંક

પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે હાલ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-1નું બાકી રહેલું કામ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાકી રહેલા કામમાં ગામનું સ્થળાંતર સહિતના કામનો સમાવેશ થાય છે. માર્ચમાં આ એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટીને સોંપી દેવામાં આવનાર છે.હાલ તંત્ર દ્વારા ડીજીસીએમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા માર્ચથી ફ્લાઇટ ઉડાન ભરતી થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રથમ અહીં કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવશે.ત્યારબાદ પેસેન્જર માટે સર્વિસ શરૂ થશે.

એરપોર્ટનું સંપૂર્ણ કામ 2040માં પૂર્ણ થશે

હીરાસર એરપોર્ટનો પ્રોજેક્ટ મહાકાય છે. આ પ્રોજેક્ટના કામને 4 ફેઈઝમાં વહેંચવામાં આવ્યા છે. હાલ ફેઝ-1નું કામ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ પુરપાટ ઝડપે ફેઝ-2નું કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. જો કે ફેઝ-4નું કામ 2040માં પૂર્ણ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.