Abtak Media Google News

પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી જ પીટીઝેડ કેમેરાની ચોરી થતાં દોડધામ : તાત્કાલિક નવો લગાવાયો

શહેરના રેસકોર્સ રિંગ રોડ પર હેડ ક્વાટર પાસે પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલ રૂપિયા 1.50 લાખના આધુનિક પીટીઝેડ કેમેરાની ચોરી થયાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો કે, તાત્કાલિક અસરથી ત્યાં અન્ય કેમેરો લગાવી પોલીસે કેમેરા ચોરી અંગે ફરિયાદ નોંધી તસ્કરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

વિગતો ઉજબ રેસકોર્સ રિંગ રોડથી પીટીઝેડ કેમેરાની ચોરી થતાં રાજકોટ મહાનગરપાલિકામાં કોમ્પ્યુટર વિભાગના કર્મચારી રવિભાઇ કિશોરભાઈ પમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 08.07ના રોજ હું મારી ઓફિસમા નોકરી ઉપર હતો ત્યારે નાનામોવા સર્કલ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલમાથી ઇ-મેલ આવ્યો કે, રેસકોર્સ પોલીસ હેડ ક્વાર્ટર ગેટ સર્કલ નજીક રેસકોર્સ મેદાન ગેટ પાસે રહેલ લોકેશન કેમેરો ગત તા.06.07થી બંધ છે. જેથી અમે ફિલ્ડ એન્જિનિયર કમલેશભાઈ સ્થળ ઉપર આવતા કેમેરો જોવા મળ્યો નહીં.કેમેરાનો વાયર કાપાયેલો જોવા મળ્યો હતો. આથી કેમેરો ગત તા.06.07ના રોજ સવારે 4.18 વાગ્યાની આસપાસ કોઈ ચોરી કરી લઈ ગયાનું જણાતા પરત ઓફિસે આવી અમારા જનરલ મેનેજર સંજયભાઇ ગોહીલને વાત કરતા તેઓએ જણાવ્યું કે, કેમેરાની આગળ પાછળના કેમેરા ચેક કરી આવો. કોઈ કેમેરો લઈ જતા શખસ જણાઇ આવે છે કે કેમ? આ જોતા કોઈ શખસ જોવા મળ્યો નહીં. જેથી આ કેમેરો ખરેખર ચોરી થયાનું જણાતા ફરિયાદ દાખલ કરવા ઉપરી અધિકારીની સુચનાની રાહ જોવાના કારણે ફરિયાદ મોડી દાખલ કરાવી છે.ઉલ્લેખનીય છે કે,આ ચોરી થયેલો કેમેરો હનીવેલ કંપનીનો પી.ટી.ઝેડ મોડેલ જેની કિંમત રૂપિયા આશરે 1.50 લાખ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.