રાજકોટ: સુંદરમ પાર્કના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી રૂ.1.50 લાખ પડાવવાનો પ્રયાસ

સોખડા પાસે મજા કરી તેનો વીડિયો વાયરલ કરવાની બે મહિલા અને એક શખ્સે ધમકી દીધી: સારવાર અને બાઇક રીપેરીંગના બહાને રૂ.10 હજાર પડાવી લીધા

આજી ડેમ પાસે સુંદરમ પાર્કના પટેલ યુવાનને બે યુવતીએ હનીટ્રેપમાં ફસાવી સોખડા પાસે યુવતી સાથે ફરવા ગયા બાદ કરેલી મજા અંગેનો વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ રૂ.1.50 લાખ પડાવવા ધમકી દીધા અંગેની  ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ પાસે સુંદરમ પાર્કમાં રહેતા અને માંડા ડુંગર પાસે  દ્વારકાધીશ હોટલવાળી શેરીમાં બહુચર પ્લાસ્ટીક નામનું કારખાનું ધરાવતા વાસુદેવભાઇ ઉર્ફે વાસુબેન પોપટભાઇ વાઘરોડીયા નામના 42 વર્ષના પટેલ પ્રૌઢે કોઠારિયા રોડ રણુજા મંદિર સામે વેલનાથપરામાં રહેતી ધારાબેન રમેશભાઇ  બાબરીયા, ગોકુલપાર્કમાં રહેતી મીનાબેન જીવણભાઇ સોલંકી અને અજાણ્યા શખ્સ સામે હનીટ્રેપમાં ફસાવી રુા.1.50 લાખની માગણી કરી બ્લેક મેઇલીંગ કરી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાસુભાઇ પટેલના બાજુના કારખાનામાં કામ કરતી મીનાબેન સોલંકીને છ માસ પહેલાં પોતાના કારખાને કામે આવવાનું કહ્યું હતું અને પોતાનો મોબાઇલ નંબર આવ્યો હતો. ત્યાર બાદ વાસુભાઇ પટેલ અવાર નવાર મીનાબેન સોલંકી સાથે મોબાઇલમાં વાત કરતા હતા. મીનાબેન સોલંકીએ સારવાર માટે રુા.7 હજારની જરુર હોવાનું જણાવતા તેને હોસ્પિટલના ખર્ચમાં રુા.7 હજારની મદદ કરી હતી.

વાસુભાઇ પટેલે રુા.7 હજારની ઉઘરાણી કરતા મીનાબેન સોલંકીએ રુા.7 હજારના બદલામાં પોતાની બહેનપણી ધારા બાબરીયા સાથે સેટીંગ કરાવી દેશે કહ્યું હતું અને ત્રણેક દિવસ બાદ ધારા બાબરીયા અને મીનાબેન સોલંકીએ મોબાઇલમાં વાત કરી જૈન દેરાસર પાસે મળવા માટે બોલાવતા ત્યાં વાસુભાઇ પટેલ ગયા ત્યારે ધારાબેન બાબરીયાએ પોતાનું એક્ટિવા રીપેર કરાવવું છે તેમ કહી રુા.3 હજાર માગતા તેણીને રુા.3 હજાર આપી બંને સોખડા તરફ ફરવા માટે હતા.

ધારાબેન બાબરીયાએ બે દિવસ બાદ મોબાઇલમાં વાત કરી રુા.10 હજારની માગણી કરી હતી તે આપવાની ના કહી હતી અને મીનાબેન સોલંકીને ધારાબેન બાબરીયા રુા.10 હજાર માગતા હોવાનું જણાવ્યું હતું. આથી થોડીવાર બાદ ફરી ધારાબેન બાબરીયાનો ફોન આવ્યો હતો અને પોતાની પાસે સોખડા ખાતે કરેલી મજા અંગેનો મોબાઇલમાં વીડિયો રેકોડઈંગ હોવાનું કહી વાયરલ કરવાની ધમકી દઇ રુ.ા.1.50 લાખની માગણી કરી હતી.

આથી ડરી ગયેલા વાસુભાઇ પટેલે ફરી મીનાબેન સોલંકી સાથે વાત કરી ધારાબેન બાબરીયાને સમજાવવાનું જણાવતા તેણીએ રુા.1 લાખ અને ત્યાર બાદ રુા.50 હજારની માગણી કરતી હતી. આ દરમિયાન ધારાબેન બાબરીયાનો કોઇ અજાણ્યા મિત્રએ વાસુભાઇ પટેલ સાથે વાત કરી રુા.50 હજારમોં પુરુ કરો નહી તો આમા મર્ડર પણ થઇ જાય તેવી ધમકી દીધી હોવાનું વાસુભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે.આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ આર.જે.જાડેજા સહિતના સ્ટાફે ત્રણેય સામે બ્લેક મેઇલીંગ કરી બળજબરીથી પૈસા પડાવવાનું કાવતરુ કર્યા અંગેનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથધરી છે.