Abtak Media Google News

ગાંધીગ્રામ પોલીસમાં મૃતકના પિતાની ફરિયાદ પરથી મનપાના જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરાશે

રાજકોટ મહાપાલિકાની ઠેરઠેર રસ્તા અને બ્રિજના કામોમાં ઘોર લાપરવાહી નજરે પડે છે અને નિંભર તંત્રના કારણે લોકોનાઉપર અકસ્માતનું સતત જોખમ રહેતું હોય છે. આ સ્થિતિમાં ગઈકાલે ૧૫૦ ફૂટ રીંગરોડ પર રૈયા એક્સચેન્જ પાસે કાલાવડ રોડ ફ્લાયઓવરના છેડે મનપા અને એજન્સીની બેદરકારીના કારણે ફૂટીંગ માટે ખિલાસરી,લાખંડના અણિયારા સળિયા ગોઠવેલા હતા તે ખાડાને ખુલ્લો છોડી દેતા ગઈકાલે સવારે ત્યાંથી બાઈક પર પસાર થતો યુવાન હર્ષ અશ્વીનભાઈ ઠક્કર લોહાણા (ઉ.વ.૨૬ રહે.માધાપર ચોક પાસે) ખાબકતાં આ યુવાનના માથામાં સળિયા ઘુસી જતા તેનું મોત નીપજ્યું હતું .શરૂઆતમાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતની નોંધ કર્યા બાદ મોડી રાત્રે મનપાના જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે ગાંધીગ્રામના પી.આઈ. રાણેએ જણાવ્યું કે આ કિસ્સામાં આઈપીસી કલમ ૩૦૪ એટલે કે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી મનપાના જવાબદાર સ્ટાફને બનાવાયા છે. મૃતક યુવાનના પિતાને ફરીયાદી બનાવાયા છે. આ ખાડો ખરેખર કોની બેદરકારીને કારણે ખુલ્લો રહ્યો હતો, કોના હુકમથી ખાડો ખોદાયો હતો, કોનુ સુપરવિઝન હતું, તે સહિતના મુદ્દે મનપામાંથી માહિતી મેળવાયા બાદ જવાબદારી નક્કી કરી આરોપીઓ સામે કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.