Abtak Media Google News

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલની જાહેરાત: 74 જગ્યાઓનું મહેકમ મંજુર

રાજય સરકાર દ્વારા પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં પશુ ચિકિત્સા અને પશુપાલન માટે મહા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે જેના માટે 4ર કાયમી અને 3ર જગ્યાઓ આઉટ સોસીંગ સહિત કુલ 74 જગ્યાનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. તેવી જાહેરાત રાજયના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું  હતું રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.2023-24થી વીસીઆઇ ની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે.આ માટે  મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ 42 જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ 32 જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ 74 જગ્યાઓના મહેકમ પણ મંજૂર કરાયું છે.

રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની દીર્ઘ દ્રષ્ટિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી  રાધવજીભાઇ પટેલ, રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ ના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનનાં વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા, નવી દિલ્હીના ધારા-ધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા સારુ વર્ષ 2022-23ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે રૂ.500.00 લાખ પુરાની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે.

તેમણે કહ્યું કે,ગુજરાત રાજ્ય વિવિધ પશુઓની ઓલાદોથી સંપન્ન છે. જેમાં વિસ્તારની દ્રષ્ટિએ રાજયનો સૌથી મોટો કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ધોડા, પાટણવાડી ધેટા, કાહ્મી બકરા અને કચ્છી તથા ખારાઇ ઉંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે. પશુપાલન ગુજરાતનો એક અગત્યનો વ્યવસાય છે, જેનાં માટે સક્ષમ, કુશળ, તાંત્રિક માનવબળની જરૂર રહે છે. રાજ્યમાં પ્રવર્તમાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોમાંથી ઉતીર્ણ થતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/પશુચિકિત્સકોની સંખ્યા માંગના પ્રમાણે ઓછી છે. હાલમાં રાજય સરકારનું પશુપાલન ખાતું, સહકારી ડેરી, સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી પશુચિકિત્સકો પશુપાલન વ્યવસાયમાં સેવા આપે છે.

હાલ રાજ્યમાં કચ્છ ખાતે પણ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવતા રાજ્યમાં કુલ 6 વેટનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે 300 પશુચિકિત્સકોની જગ્યાએ, શરુઆતમાં 60 જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જ્ગ્યાઓમાં વધારો થવાથી ભવિષ્યમાં દર વર્ષે અંદાજે 500 જેટલા પશુચિકિત્સકો તૈયાર થાય તે પ્રમાણેનુ આયોજન છે.

મંત્રી એ ઉમેર્યું કે,કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનીક સારવારની સુવિધા મળશે અને ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવીકામાં નોંધપાત્ર વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.