Abtak Media Google News

એસીબી સ્ટાફે કોન્સ્ટેબલ સામે રૂ.૮૦ હજાર લાંચ માગ્યાનો ગુનો નોંધી કરી ધરપકડ

અટિકામાંથી એક સપ્તાહ પુર્વે એઇટ પીએમના ચપલા સાથે ઝડપાયેલા બૂટલેગર પાસેથી રૂ.૯૦ હજારના થયેલા ‘તોડ’ની ચર્ચાને સમર્થન મળે તેવી ઘટનાથી પોલીસબેડામાં ચકચાર

શહેરના ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ એક સપ્તાહ પૂર્વે માધાપર ચોકડી પાસેથી લાંચના ગુનામાં ઝડપાયા બાદ ભક્તિનગર પોલીસ મથકના જુદા જુદા બે દારૂ પ્રકરણમાં મોટી રકમના થયેલા ‘તોડ’ પૈકી રૂા.૮૦ હજારની લાંચની માગણી કરનાર કોન્સ્ટેબલ સામે એસીબીમાં ગુનો નોંધાતા અટિકા વિસ્તારમાંથી દારૂ સાથે પકડાયા બાદ કેસ ન કરી રૂા.૯૦ હજારના થયેલા ‘તોડ’ પ્રકરણમાં સંડોવાયેલા બંને કોન્સ્ટેબલના કરતુતનો ભાંડો ફટવાની બીકે બંને કોન્સ્ટેબલે દોડધામ શરૂ કરી છે.

ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મેહુલ માવજી ડાંગરે વિદેશી દારૂ સાથે સિરાજ નામના બુટલેગરની ધરપકડ કર્યા બાદ સિરાજને માર નહી મારવા અંગે તેના મિત્ર સાથે રૂા.૮૦ હજારની લાંચની માગણી કરી હતી.

સિરાજના મિત્રએ રૂા.૮૦ હજારની લાંચની માગણી કર્યા અંગેનો મેહુલ માવજી ડાંગર સામે ફરિયાદ નોંધાવતા એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશી સમક્ષ ફરિયાદ નોંધાવતા પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના સ્ટાફે લાંચની માગણી કર્યા અંગેનો ભક્તિનગરના કોન્સ્ટેબલ મેહુલ ડાંગર સામે ગુનો નોંધી પોલીસ મથકેથી ધરપકડ કરી લીધી છે.

ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દારૂ અને જુગારના ગુનામાં પકડાતા શખ્સો પાસેથી મોટી રકમનો તોડ કરતા હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠી છે. એક સપ્તાહ પૂર્વે જ અટિકા વિસ્તારમાંથી એક બુટલેગરને એઇટ પીએમના ચપલા સાથે ભક્તિનગર પોલીસ મથકના બે કોન્સ્ટેબલે ધરપકડ કરી કેસ ન કરવાના બદલામાં રૂા.૯૦ હજાર ખંખેરી લીધા બાદ ચપલા પણ પડાવી લીધા હતા.

બંને કોન્સ્ટેબલે કરેલા ‘તોડ’ની સમગ્ર પોલીસ બેડા ઉપરાંત એસીબી સુધી વાત પહોચી હતી પરંતુ બુટલેગરે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યુ હોવાથી બંને કોન્સ્ટેબલ બચી ગયા હતા. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ઉંડી તપાસ થાય તો ભક્તિનગર પોલીસ મથકમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.