Abtak Media Google News

હત્યાની કોશિષ અને ફરજ રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ: જી.એસ.એફ.સી દ્વારા બનાવતી દિવાલનાં વિરોધમાં સિક્કાનાં ગ્રામજનોએ પથ્થરમારો કરી ખુની હુમલો કર્યો: પોલીસનાં વાહનમાં તોડફોડ

સિક્કા ગામમાં જી.એસ.એફ.સી. દ્વારા નવી દિવાલ ઉભી કરવામાં આવી રહી હતી દરમ્યાન સિક્કાના ગ્રામજનોએ પાણી ભરાવવાનાં કારણો દર્શાવી દિવાલનું બાંધકામ અટકાવવા માટે હલ્લાબોલ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઘટનાસ્થળે દોડી આવી ભારે પથ્થરમારો કરતા જામનગર ગ્રામ્યનાં એસ.ડી.એમ.નાં માથામાં પથ્થર વાગ્યો હતો. આ ઉપરાંત બંદોબસ્ત માટે રહેલી બે મહિલા પોલીસ કર્મચારી તથા અન્ય એક પોલીસ કર્મચારીઓને પણ પથ્થરમારામાં ઈજા થઈ હતી અને પોલીસનાં ત્રણ વાહનો ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક સિકકા ગામમાં જી.એસ.એફ.સી. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની દ્વારા સિકકા ગામમાં દિવાલ ઉભી કરવાનું કામ ગઈકાલે સવારે શરૂ કરવામાં આવ્યું હતું અને કલેકટરની મંજુરી મેળવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો સિકકા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. આ દિવાલ બનાવવાથી સિકકા ગામમાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થશે તેમ જણાવી ગામનાં સરપંચ સહિતનાં અગ્રણીઓએ વિરોધ કર્યો હતો અને આખરે આ મામલો જીલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો. સિકકા ગ્રામ પંચાયત દ્વારા જુદી જુદી ૧૮ મુદાઓને લઈને ઠરાવ કરી દિવાલનું બાંધકામ નહીં કરવા જીલ્લા કલેકટર તેમજ જી.એસ.એફ.સી.ને પત્ર પાઠવી જણાવ્યું હતું તેમ છતાં બાંધકામ શરૂ કરી દેવાયું હતું. આ મામલે જીલ્લા કલેકટર દ્વારા મધ્યસ્થ કરી મામલો થાળે પાડવા બેઠક યોજવામાં આવી હતી પરંતુ તે મંત્રણા નિષ્ફળ ગઈ હતી.

દરમિયાન જામનગર ગ્રામ્યનાં એસ.ડી.એમ. યોગેશ ચૌધરીની આગેવાની હેઠળ વિશાલ પોલીસ કાફલા સાથે દિવાલનું બાંધકામ આગળ વધારવામાં આવ્યું હતું. એક તરફે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મૌખિક સમજુતી થઈ હતી અને હાઈકોર્ટમાં સ્ટે મેળવવા માટેની કાર્યવાહી ચાલુ હતી પરંતુ દિવાલનું બાંધકામ આગળ વધારતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો જેમાં ટોળાએ એસ.ડી.એમ યોગેશ ચૌધરી ઉપર પથ્થરમારો કરતા તેના કપાળનાં ભાગે પથ્થર વાગતા લોહીલુહાણ થઈ ગયા હતા જેને પોલીસે તાત્કાલિક સારવાર માટે કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જવાયા હતા.

આ ઉપરાંત ગ્રામજનો દ્વારા પથ્થરમારો ચાલુ રખાતા પોલીસે તેઓને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગ્રામજનો અટકયા ન હતા. સૌપ્રથમ સિકકા પોલીસની જીપસી તેમજ પોલીસનાં વ્રજવાન તેમજ પોલીસની બસ ઉપર પથ્થમારો કરી ત્રણેય વાહનોનાં કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જે પથ્થરમારામાં પોલીસનાં ડ્રાઈવર ધરણાંતભાઈ ડાડુભાઈ આહિરને પથ્થર વાગ્યો હતો. જયારે પોલીસ ફરજ બજાવી રહેલ રૂપલબેન રયાભાઈ મતીયા (ઉ.વ.૨૩) તેમજ ભગવતીબેન જગદીશભાઈ મકવાણા (ઉ.વ.૨૧) નામની બે મહિલા પોલીસ કર્મચારીને પથ્થરમારામાં ઈજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.