Abtak Media Google News

રાજ્યના 22 જેટલા તાલુકા એવા છે જેમાં 47 ટકાથી 69 ટકા જેટલો વરસાદ થયો છે

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 104.71 ટકા થયો હોવા છતાં અને હવે ચોમાસાએ વિદાય લઇ લીધી છે ત્યારે અનેક તાલુકા એવા છે જેમાં હજુ પણ 70 ટકા કરતા ઓછો વરસાદ છે. રાજ્યના લગભગ 22 જેટલા તાલુકા એવા છે જેમાં 47 ટકાથી 69 ટકા જેટલો વરસાદ થયો છે. આ ચોમાસાની સીઝનમાં વાવાઝાડોના કારણે વરસાદની પેટર્ન બદલાતા કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકામાં ભારે વરસાદ થઇ ગયો હતો. તો આખી સીઝન પૂર્ણ થઇ ત્યાં સુધી ભૂતકાળમાં જે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ વરસાદ થતો હતો તેમાં હજુ 7 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાઇ છે.

ગુજરાતમાં આ વખતનું ચોમાસુ અનેક રીતે વિશિષ્ટ રહ્યું હતું. શરૂઆતમાં અલ નીનોની અસરના કારણે ચોમાસા ઉપર અસર થશે તેવી ભીતિ હતી. જો કે બીપરજોય વાવાઝોડાના કારણે કચ્છના લગભગ તમામ તાલુકામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં જુન મહિનામાં જ એટલો ભારે વરસાદ ખાબક્યો હતો કે સીઝનનો મોટાભાગનો વરસાદ તે સમયે જ પડી ગયો હતો. તે પછી જુલાઇમાં સીઝનના ચાર મહિનાનો સૌથી વધુ 448.73 મીમી જેટલો સરેરાશ વરસાદ થયો હતો. તો ઓગસ્ટ મહિનો લગભગ કોરો રહ્યો હતો અને સપ્ટેમ્બરમાં પણ પ્રથમ પખવાડિયામાં નહિવત્ વરસાદ બાદ પાછળથી મેઘરાજાની મહેર થતા જે વિસ્તારોમાં વરસાદની ખોટ હતી તે પૂર્ણ થવા પામી હતી.

સપ્ટેમ્બરમાં 200 મીમી જેટલો સરેરાશ વરસાદ થયો હતો. સમગ્ર સીઝનમાં 4 ઓકટોબર સુધી 917.82 મીમી જેટલો કુલ વરસાદ થયો હતો. જે 104 ટકાથી વધુ વરસાદ છે. જેમાં કચ્છ ઝોનમાં 164 ટકા, સૌરાષ્ટ્રમાં 124 ટકા, ઉત્તર ગુજરાતમાં 97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 92.89 ટકા પૂર્વ ગુજરાતમાં 98.87 ટકા સરેરાશ વરસાદ થયો છે. આ સીઝનમાં સંભવત: એવું પ્રથમ વખત થયું છે કે તમામ તાલુકામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. તો 72 તાલુકા એવા છે જેમાં 40 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.