Abtak Media Google News

Table of Contents

‘અબતકે’ તીસરી આંખથી રાજકોટના અન્ડરબ્રિજનું અવલોકન કરી સમસ્યાઓ ઉજાગર કરી

રાજકોટ શહેરની વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે. જ્યારે ટ્રેક ફીટ કરવામાં આવ્યો હોય ત્યારે એ સ્વાભાવિકરીતે ગામની બહાર હોય પણ સમય જતાં વિકાસ થાય અને ગામ બધી બાજુ ડેવલપ થતું જાય ત્યારે રેલવે ટ્રેક વચ્ચે આવી જાય છે. રાજકોટમાં પણ હાલ બધી દિશામાં વિકાસ થયો છે એટલે રેલવે ટ્રેક ગામ વચ્ચે આવી ગયો છે. ગામ વચ્ચે પાટા પસાર થતાં હોય ત્યારે ટ્રેનની આવન-જાવન વખતે ફાટક બંધ કરવાની આવશ્યકતા રહે છે અને વારંવાર મુખ્ય માર્ગોનો ટ્રાફીકજામ થતો હોય છે. રાજકોટમાં કેટલાય રોડ ઉપર ફાટકોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તેના નિવારણ માટે સમયાંતરે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. ‘અબતકે’ જ્યારે ત્રીજી આંખ માંડી ત્યારે અન્ડરબ્રિજમાં ઘણીબધી સમસ્યાઓ નજર સામે આવી છે. ખાસ કરીને મોટાભાગના અન્ડરબ્રિજમાં ચોમાસામાં પાણી ભરાવાના અને વાહન ચાલકો સ્લીપ થવાના પ્રશ્ર્નો સામે આવ્યા. આવો રાજકોટના અન્ડરબ્રિજની મુલાકાત લઇએ.Rajkot Lakshminagar Bridge 1

વિશાળ, કલરફુલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજ તૈયાર: 24મીએ ઉદ્ઘાટન

રાજકોટનું એક સમયનું સૌથી સાંકળું નાલું એટલે લક્ષ્મીનગરનું નાલું. વર્ષો સુધી અસંખ્ય લોકોએ લક્ષ્મીનગર નાલામાં ટ્રાફિક સહિતની સમસ્યા ભોગવી. થોડો વરસાદ પડે ત્યાંજ આ નાલું પાણીથી તરબતર થઇ જતું હોય છે. લાંબા સમયની માંગણી પછી હવે લક્ષ્મીનગરનું આ નાલું વિશાળ અન્ડરબ્રિજ બની ગયું છે. આગામી તારીખ 24મીએ લોકાર્પણ થશે. અત્યારે લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું કામ મહદ્અંશે પૂર્ણ થઇ ગયું છે. દિવાલો પર ચિત્રો, આકૃતિઓ વગેરે દોરવાનું અને કલર કામ ચાલુ છે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજ રાજકોટના અન્ય અન્ડરબ્રિજ કરતા વધુ સુવિધાજનક બન્યો હોય એવું પ્રાથમિક અનુમાન છે.

અન્ય અન્ડરબ્રિજમાં પાણી ભરાવાના પ્રશ્ર્નો નજર સામે આવ્યા તો તંત્રએ ભૂતકાળની ખામીઓની દૂર કરીને બોધપાઠ લીધો હશે એવું અનુમાન કરીએ. સાચી વિગતો તો આ અન્ડરબ્રિજ ખૂલે એક ચોમાસુ વિતે ત્યારે ખ્યાલ આવે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ જેટલો જ પહોળો અને એનાથી વધુ સુવિધાજનક જણાઇ રહ્યો છે. ખાસ કરીને તેનો ઢાળ એ રીતે કરાયો છે કે વાહન ચાલકોને વરસાદી ઋતુમાં તકલીફ ન પડે. આ અન્ડરબ્રિજ ખૂલતાં જ અસંખ્ય લોકોની સુવિધા સચવાશે.

એસ્ટ્રોનનું નાલું ચોમાસામાં સમસ્યારૂપ મોટો અન્ડરબ્રિજ કરવો જરૂરીRajkot Astron Chowk Nalu Under Bridge

એસ્ટ્રોન ચોકથી અમિન માર્ગ તરફ જતાં એક નાલું આવે છે જે એસ્ટ્રોન નાલા તરીકે જાણીતું છે. અહીં ટ્રાફિકની સમસ્યા ઠીકઠીક રહે છે પણ સૌથી મોટી સમસ્યા ચોમાસામાં સર્જાય છે.

Rajkot Amrapali Under Bridgeએક-બે ઇંચ વરસાદ પડે તો ઉપરવાસનું પાણી આ નાલામાંથી નીકળી સરદારનગર-જાગનાથ તરફ જતાં વોકળામાં વહે છે. જેને કારણે આ નાલું વાહન ચાલકો માટે નકામું બની જાય છે.

એક તો નીચાણ છે અને વળી બાજુમાં વોકળો જેને કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો માટે ચોમાસામાં અહીંથી નીકળવું માથાના દુ:ખાવારૂપ બની જાય છે. આગામી દિવસોમાં આ નાલું પણ અન્ડરબ્રિજમાં ક્ધવર્ટ કરવું પડે એવી સ્થિતિ સર્જાશે.

આમ્રપાલી અન્ડરબ્રિજ ટ્રાફિક સમસ્યા હલ થઇ પણ ચોમાસે આઝાદ ચોક બને છે બેટ

કિસાનપરા ચોકથી રૈયારોડ ઉપર જતાં વચ્ચે એક ફાટક આવતું હતું જે શહેરની મોટી વસ્તીને ભારે નડતરરૂપ હતું. વર્ષો સુધી રૈયારોડ વિસ્તારના લોકોએ મુશ્કેલી ભોગવ્યા પછી અંતે ત્યાં અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો.  આ અન્ડરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા મહદ્અંશે હલ થઇ ગઇ છે. અન્ડરબ્રિજમાં ચોમાસે પાણી ભરાવાની ફરિયાદો પણ નહીંવત આવી છે પરંતુ અન્ડરબ્રિજનો બીજો છેડો એટલે કે આઝાદ ચોક તરફના છેડે પાણી ભરાવાની અનેક ફરિયાદ નજર સામે આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન બે-ત્રણ ઇંચ વરસાદ પડે તો પણ આમ્રપાલી ટોકીઝ વિસ્તારથી લઇ આઝાદ ચોક સુધી દુકાનોમાં પાણી ઘૂસી જાય તેવી સ્થિતી સર્જાય છે એટલે અન્ડરબ્રિજનો લાભ તો મળ્યો પણ સામેના છેડાના રહેઠાણ અને દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. તંત્રએ વહેલી તકે તેનું નિવારણ કરવું જરૂરી છે.

રેલનગર અન્ડરબ્રિજ: પ્રજાના પૈસા (વાહનો) પાણીમાં !Rajkot Railnagar Underbridge

શહેરના છેવાડાના વિસ્તાર રેલનગરને જોડતો શહેરનો સૌથી લાંબો અને મોટા વળાંકવાળો અન્ડરબ્રિજ લોકોની અપેક્ષા મુજબ બન્યો નથી. આ અન્ડરબ્રિજમાં ચોમાસામાં તો 4 મહિના પાણી ભરાયેલું રહે જ છે પણ ચોમાસુ પૂર્ણ થયા પછી લગભગ 2 મહિના પાણી આવ્યા કરે છે. જમીનમાંથી આવતું પાણી અન્ડરબ્રિજની દિવાલોમાંથી અંદર આવે છે. જેને કારણે સતત પાણી ભરેલું રહે છે.

વળી સતત પાણી ભરાયેલા રહેવાને કારણે શૈવાળ જામી જાય છે અને ટુ-વ્હીલરો લપસી પડે અને ઘાયલ થાય છે. એક તો બહુ લાંબો અન્ડરબ્રિજ, એમાંય સતત પાણી ભરેલું રહેવું અને શૈવાળ જામવો- આ બધી સમસ્યાઓને કારણે એ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

ઇન્દ્રપ્રસ્થ નાલું હાલ ટ્રાફિકથી ધમધમે છેRajkot Indraprasthnagar Nalu Underbridge

લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી લગભગ 200 મીટરના અંતરે ઇન્દ્રપ્રસ્થના નાલા તરીકે જાણીતો અન્ડરબ્રિજ ખાસ ટ્રાફિક ધરાવતો નથી પણ હાલ લક્ષ્મીનગરનું કામ ચાલુ હોય તે બધો ટ્રાફીક ઇન્દ્રપ્રસ્થ તરફ વાળવામાં આવ્યો હોવાથી અત્યારે આ નાલું લગભગ 18 કલાક ટ્રાફીકથી ધમધમતું રહે છે. હેમુ ગઢવી હોલ પાછળનું આ નાલું ચોમાસામાં પણ બહુ ચિંતા કરાવતું નથી. હાલ ટ્રાફીક ડાયવર્ટ થયો હોય ટ્રાફિક વોર્ડન નિયમન માટે મુકવામાં આવ્યા છે જેથી ટ્રાફિકની સમસ્યા નડતી નથી.

મહિલા કોલેજ અન્ડરબ્રિજ નામ બડે ઔર દર્શન ખોટે !Rajkot Mahila College Underbridge

મહિલા કોલેજ અન્ડરબ્રિજ રાજકોટનો એક સમયનો સૌથી મોટો અને આધુનિક અન્ડરબ્રિજ હતો. ઓલ્ડ રાજકોટમાંથી ન્યૂ રાજકોટમાં જવા માટે આ મહત્વનો બ્રિજ છે. ભૂતકાળમાં જ્યારે ફાટક હતું ત્યારે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. જેનું નિવારણ કરવા આ બ્રિજ બે દાયકા પહેલા નિર્માણ પામ્યો.  આ અન્ડરબ્રિજથી જે-તે વખતે ટ્રાફિક સમસ્યા હલ થઇ પણ પછી વાહનો વધતાં આજે આ બ્રિજ પણ નાનો પડવા લાગ્યો છે. ટ્રાફિકની સમસ્યા તો સમજ્યા પરંતુ અહીં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ત્રાસરૂપ છે.

રાજકોટમાં જ્યારે 5-7 ઇંચ વરસાદ પડે ત્યારે આ બ્રિજ સ્વિમીંગ પુલ બની જાય છે! રાજકોટના યુવાનો ઉપરથી ધૂબાકા દઇને અન્ડરબ્રિજના સ્વિમીંગ પુલમાં ન્હાતા હોય તેવા કિસ્સા લગભગ દર વર્ષે બને છે ત્યારે ટેકનિકલ ક્ષતિને કારણે પાણી ભરાવવાની જે સમસ્યા સર્જાય છે તે વહેલી તકે દૂર કરવી પડે. વળી અન્ડરબ્રિજમાં ઓઇલ ઢોળાય ત્યારે અનેક વાહન ચાલકો સ્લીપ થઇને ઘાયલ થયાના દાખલા પણ બન્યા છે. જે ભૂલ રહી હોય તે સુધારીને આ અન્ડરબ્રિજમાં ચોમાસામાં પાણી ન ભરાય અને વાહન ચાલકો સ્લીપ ન થાય તેવી વ્યવસ્થા તંત્રએ કરવી પડે.

જિર્ણ અને હોજ બનતો પોપટપરાનો અન્ડર બ્રિજ ચોમાસામાં નકામો

રાજકોટનો જુનો અને જાણીતો પોપટપરા અન્ડરબ્રિજ જંક્શનની બાજુમાં આવેલો છે પણ વર્ષોથી જિર્ણ હાલતમાં અને પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો માટે માથાના દુ:ખાવારૂપ બન્યો છે. જંક્શન વિસ્તારનું પાણી એ બ્રિજમાં થઇ પોપટપરા બાજુ જતું હોય આ બ્રિજ ચોમાસામાં નકામો બની જાય છે.  વોકળા પર થયેલાં દબાણોને કારણે પણ આ બ્રિજ ચોમાસામાં લોકો માટે ઉપયોગી બનતો નથી અને અસંખ્ય લોકોએ ખૂબ ફરવા જવું પડે છે. આ વિસ્તારની જનતા વર્ષોથી માંગણી કરી રહી છે પણ તંત્ર હજુ તેનું નિરાકરણ કરતું નથી.

Rajkot Popatpara Under Bridge

પોપટપરા-રેલનગરમાં ઓવરબ્રિજની જરૂર દાનાભાઇ કુગશિયા (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન)

પોપટપરા અન્ડરબ્રિજ અંગે રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દાનાભાઇ કુગશિયાએ ‘અબતક’ને જણાવ્યું કે અમે આ જગ્યા પર ઓવરબ્રિજની માંગણી કરી હતી પરંતુ અન્ડરબ્રિજ આપી દેવામાં આવ્યો. આવી જ રીતે રેલનગર અન્ડરબ્રિજ માટે અમે આંદોલન કર્યું હતું, લાઠીઓ ખાધી હતી ત્યાં પણ અમારી માંગણી ઓવરબ્રિજની હતી.

મુકેશ કુમાર જ્યારે મનપા કમિશનર હતા ત્યારે ચાલુ વરસાદે અમે તેમને અહીં લાવ્યા હતા તેમણે અધિકારીઓને યોગ્ય કરવા સૂચના આપી હતી પરંતુ એમની બદલી થઇ અને અભેરાઇએ ચડી ગયું.

2-3 ઇંચ વરસાદમાં દુકાનોમાં ઘૂસી જાય છે પાણી: મનસુખભાઇ પટેલ

અન્ડરબ્રિજના આમ્રપાલી છેડે સિમેન્ટની એજન્સી ધરાવતાં મનસુખભાઇ પટેલે ‘અબતક’ને જણાવ્યું કે અન્ડરબ્રિજ થવાથી ટ્રાફિકના પ્રશ્ર્નો હલ થઇ ગયા છે પણ થોડોક વરસાદ પડે ત્યાં અમારો વિસ્તાર પાણી-પાણી થઇ જાય છે. 2-3 ઇંચ વરસાદમાં વાહન ચાલકો રસ્તા પર વાહન ચલાવી ન શકે તેવી સ્થિતિ થાય છે. અમારી દુકાનોમાં પાણી ભરાઇ જાય છે, અમે કોર્પોરેશનમાં રજૂઆત પણ હજુસુધી કંઇ નિરાકરણ આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.