Abtak Media Google News

 

દાઝેલી પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝયો: ઘર વખરી સળગી ગઇ: મહિલા ગંભીર

 

અબતક, રાજકોટ
શહેરના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ હાઉસીંગ આવાસ યોજનાના કવાર્ટરમાં ગેસનો બાટલો લીકેજ થતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની લપેટમાં દંપતિ દાઝયા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આગના કારણે ઘર વખરી સળગી ગઇ છે. ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા મધુબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ.પ0) અને તેમના પતિ દિનેશ લક્ષ્મીદાસભાઇ પરમાર (ઉ.વ.60) આજરોજ સવારના સુમારે ઘરમાં લાગેલી આગમાં દાઝી જતાં બન્નેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાત્રિના ઘરમાં ગેસ લીકેજ થયા બાદ સવારના સુમારે પરણિતા મધુબેન ચા બનાવવા માટે ગેસ ઓન કરતા ભડકા સાથે મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી તેઓ પણ આગની લપેટમાં આવી ગયા હતા. પત્નીને સળગતી હાલતમાં જોઇ તેને ઠારવા માટે જતાં તેના પતિ દિનેશભાઇ પણ દાઝી ગયા હતા. દરમિયાન તેમનો પુત્ર પરીત બચી ગયો હોય તે પણ દોડી આવ્યો હતો. ત્યારબાદમાં દંપતિને સારવાર માટે સ્થાનીકો દ્વારા 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી મધુબેનની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.