Abtak Media Google News

જર્જરીત ભવનના રીનોવેશન-મ્યુઝીયમ માટે રૂ.27 કરોડ મંજૂર: નાયબ મુખ્ય દંડક કૌશીકભાઈની મહેનત રંગ લાવી

અમરેલીના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવેલો ઐતિહાસિક રાજમહેલ હાલમાં પડુ પડુ સ્થિતીમાં છે ત્યારે તેનું જડમૂળથી રિનોવેશન કરીને તેમાં મ્યુઝિયમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રુ. 27 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે અને થોડા સમયમાં જ આ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ અંગેની વિગતો આપતા વિભાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, અમરેલીમાં આવેલો ઐતિહાસિક રાજમહેલ 185 વર્ષ કરતા પણ વધારે જૂનો છે અને અમરેલીમાં રાજાશાહીકાળનો આ એક જ મહેલ છે. હાલમાં તેની હાલત અત્યંત ખરાબ છે અને તેની જાળવણી કરવામાં ન આવે તો આ ઐતિહાસિક ધરોહર નાશ પામે તેમ હોવાથી રાજ્ય સરકારને આ રાજમહેલની મરામત કરવા તથા તેને મ્યુઝિયમ તરીકે વિકસાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને અમરેલીના કલેક્ટર દ્વારા આ માટે વિધિવત રીતે દરખાસ્ત તૈયાર કરીને મોકલાયા બાદ પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા ગાંધીનગરથી આ સ્થળની મુલાકાત લઈને સર્વેની કામગીરી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા આ માટે રુ. 27 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલીના જર્જરીત બનેલા રાજમહેલની સંપૂર્ણ રીતે મરામત કરવામાં આવશે અને તેમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. અંદર એક વિશાળ હોલ પણ બનશે અને તમામ પ્રકારની આનુસંગિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે અને આ સ્થળનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.

3 વર્ષ સુધીમાં કામગીરી પુરી થશે

સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી રુ. 27 કરોડની રકમાંથી અમરેલીના – રાજમહેલનું રિનોવેશન કરવું, અંદર હોલ બનાવવો તથા અન્ય અનુસંગિક સુવિધાઓ, મ્યુઝિયમ વગેરે બનાવીને નવેસરથી ખુલ્લો મૂકવામાં ત્રણેક વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.