Abtak Media Google News

રાજ્ય સરકારે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા શરૂ કરાયેલાં અભિયાન અંતર્ગત રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 15 દિવસમાં વધુ એક ડ્રગ્સ અંગે દરોડો પાડી રૂ.2.70 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

Advertisement

ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સ સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજના ક્વાર્ટરમાં છેલ્લાં બે વર્ષથી રાજસ્થાનથી બ્રાઉન સુગર, મેફેડ્રોન અને મેથાએમફેટામાઇન ડ્રગ્સ મંગાવી વેંચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ડ્રગ્સ અંગેની તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.

રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી કાથાની ભેળસેળ કરી બે વર્ષથી વેંચાણ કરતો હોવાનું ખુલ્યૂં

ડ્રગ્સ મુકત અભિયાન અંતર્ગત 15 દિવસમાં એસ.ઓ.જી.નો વધુ એક સફળ દરોડો

આ અંગેની પોલીસમાંથી પ્રાથમિક વિગત મુજબ શહેરમાં છાનેખૂણે વેંચાતા ડ્રગ્સના કાળા કારોબાર અંગે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમે 15 દિવસ પહેલા રૈયા રોડ પરના કિડવાય નગર પાસેના બગીચા નજીકથી એ.એસ.આઇ.ના પુત્ર મોનાર ઉર્ફે ભાણો ચિહલા સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા.

બંને શખ્સો ઓનલાઇન ડ્રગ્સનું વેંચાણ કરતા હોવાનું અને મુંબઇથી લાવ્યાની કબૂલાત આપતા એસ.ઓ.જી. સ્ટાફે મુંબઇના ડ્રગ્સ પેડલર હાર્દિક પરમારની પણ ધરપકડ કરી હતી.

દરમિયાન સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં નં.107માં રહેતો મયુર જમન અજાણી નામના સગર શખ્સ બ્રાઉન સુગર, મેફેડ્રોન અને મેથાએમફેટામાઇન જેવા ડ્રગ્સનું વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઇ. જે.ડી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ અમરેલીયા, અજયભાઇ ચૌહાણ, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલ, દિવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગત રાત્રે ગોકુલનગર આવાસ યોજના ક્વાર્ટરમાં ડ્રગ્સ અંગે દરોડો પાડ્યો હતો.

મયુર અજાણી પાસેથી રૂ.1.60 લાખની કિંમતના 32 ગ્રામ બ્રાઉન સુગર, રૂ.60,700 કિંમતનો 6 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, રૂ.49,300ની કિંમતના 4.93 ગ્રામ મેથાએમફેટામાઇન ડ્રગ્સ, મોબાઇલ, ડ્રગ્સના ઉપયોગમાં લેવાતો ઇન્જેક્શન અને વજન કાંટો મળી પોલીસે રૂા.3,20,150નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

મયુર અજાણીની પૂછપરછ દરમિયાન તે છેલ્લાં બે વર્ષથી રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી તેમાં કાથાની ભેળસેળ કરી દરરોજનું 4 થી 5 હજારની કિંમતનું ડ્રગ્સનું વેંચાણ કરતો હોવાની કબૂલાત આપી છે. મયુર અજાણી એમ.ડી. ડ્રગ્સ અને  બ્રાઉન સુગરનો બંધાણી હતો ડ્રગ્સના બંધાણના ખર્ચને પહોંચી વળવા માટે પોતે જ ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો હતો. મયુર અજાણીને રાજસ્થાનથી કોણ ડ્રગ્સની સપ્લાય કરતું હોવાની તે અંગેની પૂછપરછ માટે થોરાળા પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાંત સહિતના સ્ટાફે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.