Abtak Media Google News

વર્ષ 1983માં જમીન વિવાદમાં ભાઈની હત્યા કરનારને 40 વર્ષ બાદ સજા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચાર દાયકા બાદ ભાઈની હત્યા કરનાર આરોપીને કોર્ટે સજા સંભળાવી છે. વર્ષ 1983માં જમીન વિવાદમાં પોતાના મોટા ભાઈની હત્યા કરનાર 80 વર્ષીય જયપાલ સિંહને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે જયપાલ સિંહને 20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અલીગઢના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (પ્રથમ) મનોજ કુમાર અગ્રવાલની કોર્ટે 40 વર્ષ બાદ આ કેસમાં અંતિમ ચુકાદો આપ્યો છે.

આ કેસની કાર્યવાહી 39 વર્ષ પહેલા શરૂ થઈ હતી. હત્યા બાદ જયપાલની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા મહિના પછી જામીન પર છૂટી ગયો હતો. વર્ષ 1984માં અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં સ્ટે ઓર્ડર જારી કર્યો હતો. દાયકાઓ સુધી રાહ જોયા પછી મરણજનાર રઘુનાથ સિંહની પત્ની અને અરજદાર ચંદ્રમુખી જે હવે 75 વર્ષની છે, તેમણે જૂન માસમાં હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી કોર્ટે આ કેસમાં ઝડપથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ કાઉન્સેલ (એડીજીસી) જેપી રાજપૂતે મંગળવારે જણાવ્યું હતું કે આ કેસમાં ઓછામાં ઓછા 17 સાક્ષીઓ હતા. કેટલાક સાક્ષીઓ મૃત્યુ પામ્યા હોવા છતાં ચંદ્રમુખીએ 1984માં જુબાની આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સાક્ષીઓ કોર્ટમાં હાજર થયા ન હતા. આવી સ્થિતિમાં, પાંચ સાક્ષીઓની જુબાની અને અન્ય પુરાવાઓના આધારે, કોર્ટે સોમવારે આરોપીને દોષી ઠેરવ્યો અને તેને સજા સંભળાવી.

કેસની વિગતો શેર કરતા, એડીજીસીએ કહ્યું કે ગુનેગાર તેના મોટા ભાઈની ખેતીની જમીન હડપ કરવા માંગતો હતો, જેના કારણે તેમની વચ્ચે વર્ષોથી તણાવ હતો. 3 જૂન 1983ની સવારે જ્યારે રઘુનાથ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે જયપાલે તેના પર હુમલો કર્યો હતો. રઘુનાથને ગંભીર ઈજાઓ થઈ અને બીજા દિવસે અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં તેનું મૃત્યુ થયું. ચંદ્રમુખીએ જણાવ્યું કે તેના સસરાએ પૈતૃક જમીન તેના બે પુત્રો વચ્ચે વહેંચી દીધી હતી. જયપાલ રઘુનાથની મિલકત માટે તેની જમીન બદલવા માંગતો હતો, જેનો રઘુનાથે ઇનકાર કર્યો હતો. ગુસ્સામાં જયપાલે તેના પર હુમલો કર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.