Abtak Media Google News

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.  તપાસ એજન્સીએ છ રાજ્યોમાં પીએફઆઈ સાથે જોડાયેલા લોકોના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે.

દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશનના બલ્લીમારનમાં એનઆઈએના દરોડા ચાલુ છે.  આ સિવાય દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.  બીજી તરફ રાજસ્થાનના ટોંક સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  એનઆઈએએ મહારાષ્ટ્ર અને યુપીમાં પણ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પીએફઆઈ સાથે સંકળાયેલા લોકોને ત્યાં તપાસ

જૂની દિલ્હીના બલ્લીમારનમાં આવેલી મુમતાઝ બિલ્ડિંગમાં એનઆઈએની ટીમ સર્ચ કરી રહી છે.  એનઆઈએની સાથે સ્થાનિક પોલીસ પણ છે.  સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગમાં ધાર્મિક સામગ્રી છાપવાનું કામ ચાલી રહ્યું છે.  કેન્દ્ર સરકાર દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં કઈક ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાના અણસાર મળતા આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પીએફઆઈ સાથે સંકળાયેલા વાહિદ શેખના ઘરે દરોડા પાડવા એનઆઈએની ટીમ મુંબઈના વિક્રોલી પહોંચી હતી.  જોકે, વાહિદ શેખ ગેટ ખોલી રહ્યો નથી.  તેમનું કહેવું છે કે એનઆઈએ અધિકારીઓએ તેમને ઓળખ કાર્ડ બતાવવું જોઈએ અને તેમને કાનૂની નોટિસ મોકલવી જોઈએ, ત્યારબાદ તેઓ તેમના વકીલ સાથે વાત કરશે.  વાહિદ શેખ મુંબઈ હુમલામાં આરોપી હતો, જોકે, બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.  યુપીના લખનૌ, બારાબંકી, બહરાઈચ, સીતાપુર, હરદોઈમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.  લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં ત્રણ ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએની ટીમની સાથે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસની ટીમ પણ હાજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.