Abtak Media Google News

સહારા ઇન્ડિયા દ્વારા રોકાણકારોને આંબા આંબલી બતાવી દેશભરમાંથી એકઠી કરેલી મરણ મુળી પાકતી મુદતે રકમ ન મળતા અવાર નવાર બઘડાટી બોલે છે. ત્યારે યુનિર્વસિટ રોડ પર આવેલી સહારા ઇન્ડિયાની ઓફિસે રૂા.6 લાખ જેટલી રકમ ગુમાવનાર માતા-પુત્રીએ પોતાની સાથે ઝેરી દવાની બોટલ લાવી આત્મહત્યાની ચીમકી ઉચારતા સહારા ઇન્ડિયાના રાજકોટ ખાતેના જવાબદાર અધિકારી ઓફિસ છોડી રફુચકકર થઇ હતા. યુનિર્વસિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડયો હતો.

ઇમીટેશનનું કામ કરી કરેલી બચતની મરણ મુડી પાકતી મુદતે
પરત આપવામાં થતા ઠાગા ઠૈયાના કારણે માતા-પુત્રીની આક્રમક રજૂઆત 

મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતી ગીતાબેન ભરતભાઇ શીશાંગીયા અને તેમની રેલનગરમાં રહેતી પુત્રી કિંજલબેન મૌલિકભાઇ પંડયા સહારા ઇન્ડિયાની યુનિર્વસિટી રોડ પર આવેલી ઓફિસે પોતાના એજન્ટ અજયભાઇ મારૂને સાથે રાખી પોતાની ડુબેલી રકમ મેળવવા આક્રમક રજુઆત કરી ઝેરી દવા પીવાની ચીમકી ઉચારી હતી.

નાણા એકઠા કરી સહારા ઇન્ડિયામાં જમા કરાવતા એજન્ટે પોતાની દુકાન વેચી લેણદારોને રૂ.7 લાખ ચુકવ્યા

સહારા ઇન્ડિયાની રોકાણ માટેની અનેક સ્કીમ પૈકી ગીતાબેન શિશાંગીયા અને તેમની પુત્રી કિંજલબેન પંડયાએ દર મહિને રૂા.2 હજારની બચત કરાવી હતી. બચત સ્કીમની મુદત પુરી થતા છેલ્લા સાતેક માસથી ગીતાબેનને રૂા.4 લાખ અને તેમની પુત્રી કિંજલબેનને રૂા.2 લાખ અવાર નવાર ધક્કા ખાવા છતાં આપતા ન હોવાથી બંને માતા-પુત્રી સહારા ઇન્ડિયાની ઓફિસે ઘસી આવ્યા હતા. અને ઝેરી દવા પી આત્મહત્યા કરવા માટે પોતાની પાસે રહેલુ ઝેર સહારા ઇન્ડિયાના રાજકોટ ખાતેના અધિકારીને બતાવતાની સાથે તેઓ પોતાની ઓફિસ છોડીને ભાગી ગયા હતા.

ગીતાબેન અને તેમની પુત્રી કિંજલબેન દ્વારા આક્રમક કરાયેલી રજુઆતના પગેલાં પોલીસ કંટ્રોલ રૂમને કોઇએ જાણ કરતા યુનિર્વસિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગીતાબેન અને તેમની પુત્રી કિંજલબેને ઇમીટેશનનું ઘરે કામ કરી બચત માટે સહારા ઇન્ડિયામાં બચત કરાવી હોવાનું જણાવ્યું હતું. તેમજ સહારા ઇન્ડિયાના એજન્ટ અજયભાઇ મારૂ તેમને ત્યાં દર મહિને રૂા.2 હજાર બચતની સ્કીમ માટે લઇ જતો હોવાથી ગીતાબેન અને તેમની પુત્રી કિંજલબેન એજન્ટ અજય મારૂને સાથે રાખી રજુઆત કરી ત્યારે અજય મારૂએ પોતાની પાસે આશરે 250 જેટલા ગ્રાહકના પાકતી મુદતના સર્ટીફિકેટ છે પરંતુ સહારા ઇન્ડિયા દ્વારા કંઇ સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનું અને રોકાણકારો ધાક ધમકી દેતા હોવાથી પોતાની દુકાન વેચી જરૂરીયાત મંદ રોકાણકારને રૂા.7 લાખ ચુકવી દીધા હોવાનું જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.