Abtak Media Google News

રેસકોર્સ રીંગ રોડ ફરતે ડિવાઈડર બદલાવવાના કામનું નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે ખાતમુહૂર્ત: ૨૩ સ્કલ્પ્ચર મુકાશે: સરદાર સરોવરની પ્રતિકૃતિ, એનર્જી પાર્ક ડેવલોપ કરાશે: મ્યુનિ.કમિશનર

શહેરના એકમાત્ર ફરવા લાયક સ્થળ એવા રેસકોર્સ રીંગ રોડ ફરતે હયાત ડિવાઈડરના સ્થાને આકર્ષક અને નયનરમ્ય ડિવાઈડર મુકવાના કામનું ખાતમુહૂર્ત આજે શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભાર્દ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતું. રેસકોર્સને એક નવો જ અવતાર આપવામાં આવશે અને ટુરીસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રેસકોર્સ રીંગ રોડ પર હયાત કુંડી ટાઈપ ડિવાઈડરના સ્થાને ફલાવર પોર્ટ ટાઈપ ડિવાઈડર મુકવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ સંપૂર્ણપણે બીઓટીના ધોરણે સાકાર કરવામાં આવશે. રીંગ રોડ ફરતે અલગ-અલગ ૨૩ સ્થળોએ સ્કલ્પ્ચર મુકવામાં આવશે. બહુમાળી ચોકમાં આવેલા નર્મદા સવદે (સરદાર સરોવર ડેમ)ની પ્રતિકૃતિને પણ ડેવલોપ કરવામાં આવશે. રેસકોર્સની અંદર નવો ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવશે અને હયાત એનર્જી પાર્કનું રીનોવેશન કરવામાં આવશે. રીંગ રોડ ફરતે વધારાની એલઈડી લાઈટ તથા એલઈડી સાઈન બોર્ડ પણ મુકવામાં આવશે. હયાત કુંડી ટાઈપ ૧૮૦૦ જેટલા ડિવાઈડરને રેસકોર્સના લોકમેળાના ગ્રાઉન્ડમાં ફરતે ફીટ કરવામાં આવશે અને તેમાં પણ બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ટુંકમાં રેસકોર્સને એક નવો જ અવતાર મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રેસકોર્સ ગાર્ડનની ફરતેની રેલીંગ બદલી નાખવામાં આવી છે.

આ રેલીંગને નયનરમ્ય કલરોથી રંગી દેવાનું કામ પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આજે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે રેસકોર્સ રીંગ રોડ ફરતે ડિવાઈડર બદલાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર તથા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.